કોલકત્તા કેસ અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કર્યા આકરા સવાલ : કહ્યું,’ આવી લાપરવાહી 30 વર્ષમાં નથી જોઈ’ !!
કોલકતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈ એ રાજ્ય સરકાર ભીનું સંકેલવાનો પ્રયત્ન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.બીજી રાજ્ય સરકાર ના વકીલ કપિલ સિબ્બલે સીબીઆઈ ને સુપ્રત કરવામાં આવેલી કેસ ડાયરીની વિગતો સીબીઆઈએ અદાલત સમક્ષ રજૂ ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ ના નેતૃત્વ વાળી ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ઘટનાક્રમની ટાઇમ લાઈન અંગે સવાલોનો મારો ચલાવ્યો હતો.જસ્ટિસ પારડીવાલાએ પોલીસ અને રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે મારી 30 વર્ષની કારકિર્દીમાં મે કાયદાની પ્રક્રિયાના પાલનમાં આવી ક્ષતિ અને લાપરવાહી કદી નથી જોઈ.
મહિલા કબીર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓ મોટો સંજ્ઞાન લીધા બાદ સર્વોચ્ચ અદાલતે 22 ઓગસ્ટ સુધીમાં સીબીઆઇને તપાસનો સ્ટેટસ રિપોર્ટ અને રાજ્ય સરકારને હોસ્પિટલમાં થયેલી તોડફોડ અંગેની તપાસ નો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.ગુરુવારે સીબીઆઇ એ સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં રાજ્ય સરકારે તપાસમાં અનેક ખામીઓ રાખી હોવાનો દાવો કરાયો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સીબીઆઇએ પાંચ દિવસ પછી તપાસ સંભાળી ત્યારે અપરાધના સ્થળે બધું બદલાઈ ગયું હતું. જો કે રાજ્ય સરકારના વકીલ કપિલ સિબ્બલે એ આક્ષેપ નકારતા કહ્યું કે ગુનાના સ્થળની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. તે સ્થળેથી મળેલી તમામ વસ્તુઓ સીઝ કરવામાં આવી છે. મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પંચનામું કરાયું હતું અને તે બધી વિગતો કેસ ડાયરીમાં નોંધવામાં આવી છે.સુનાવણીના અંતે સર્વોચ્ય અદાલતે સીબીઆઇ નો સ્ટેટ્સ રિપોર્ટ ફરી સિલ કરી દીધો હતો. આ કેસની વધુ સુનાવણી 5મી સપ્ટેમ્બરે થશે.
150 ગ્રામ સિમેનનો મુદ્દો ઉછડ્યો
પીડિતાના શરીરમાંથી 150 ગ્રામ વીર્ય મળ્યું હોવાનો આ અગાઉ દાવો થયો હતો અને એ દાવાને આગળ ધરી પીડિતા ગેંગ રેપનો ભોગ બની હોવાની આશંકા જોરશોરથી ફેલાવવામાં આવી હતી.ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પણ એક વકીલે 150 ગ્રામ વીર્ય મળ્યું હોવાનું જણાવતા ચીફ જસ્ટિસને તેમને અદાલતમાં દલીલો કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમારી પાસે ઓટોપસી રિપોર્ટ છે અને 150 ગ્રામનો ઉલ્લેખ શેના માટે છે તે અમે જાણીએ છીએ.