સુપ્રીમ કોર્ટે કોને ગુંડો કહીને ફટકાર લગાવી ? કયા કેસમાં સુનાવણી થઈ ? જુઓ
દિલ્હીના સીએમ આવાસ પર સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુરુવારે કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જવલની ખંડપીઠે આ મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમારની જામીન અરજી પર સુનાવણી કરતા ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી. અદાલતે એવો સવાલ કર્યો હતો કે આવા ગુંડા સીએમ આવાસમાં શું કરી રહ્યા છે ? મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી ?
વિભવની જામીન અરજી પર અદાલતે દિલ્હી પોલીસનો જવાબ માંગ્યો. હવે આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે. સુનાવણી દરમિયાન વિભવ કુમાર વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી.
સિંઘવીએ કહ્યું હતું કે સ્વાતિ પાસે કોઈ નથી ગયું, બલ્કે તેઓ સીએમ હાઉસ આવ્યા હતા. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે એવું કહી રહ્યા છો કે જાણે કોઈ ગુંડો ઘુસ્યો હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિભવ કુમારે સ્વાતિ માલીવાલને તેમના સ્વાસ્થ્ય વિશે જણાવવા છતાં તેમના પર હુમલો કર્યો. કુમારે એવું વર્તન કર્યું કે જાણે કોઈ ગુંડો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયો હોય. ‘મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાનગી બંગલો છે? કોર્ટે વિભવ કુમારના વકીલને પૂછ્યું કે શું આવા ‘ગુંડા’ને મુખ્યમંત્રી આવાસમાં કામ કરવું જોઈએ?
કોર્ટે સિંઘવીને પૂછ્યું કે, રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલે હુમલાની ઘટના વખતે પોલીસ હેલ્પલાઈન પર ફોન કરીને શું સંકેત આપ્યા હતા. જ્યારે સિંઘવીએ કહ્યું કે ત્રણ દિવસ પછી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પહેલા સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશન ગઈ પરંતુ એફઆઈઆર નોંધ્યા વગર જ પાછી ફરી. તેના પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે શું માલીવાલે 112ને ફોન કર્યો? જો હા, તો તે તમારા દાવાને જૂઠું પાડે છે કે તેણે વાર્તા ઘડેલી છે.