રાજકોટ મનપા કમિશનરની ચેમ્બરમાં તોડફોડના ગુનામાં કોંગ્રેસી નેતાઓને સેશન્સ કોર્ટે પણ નિર્દોષ ઠેરવ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં આશરે 18 વર્ષ પૂર્વે પાણીના પ્રશ્ને થયેલી ઉગ્ર રજૂઆત અને ત્યારબાદ નોંધાયેલા તોડફોડના કેસમાં કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓને મોટી રાહત મળી છે. રાજકોટ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખતા સરકારની અપીલ રદ કરી છે. આ સાથે જ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, જશવંતિંસહ ભટ્ટી સહિતના 9 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આ કેસની વિગત મુજબ, વર્ષ 2004માં રાજકોટ શહેરમાં સર્જાયેલી પાણીની સમસ્યા મુદ્દે શહેર કોંગ્રેસ ના આગેવાનો અને નગરસેવકો તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને રજૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન મામલો બિચક્યો હતો અને કમિશનરની ચેમ્બરમાં ઉગ્ર બોલાચાલી બાદ તોડફોડ થઈ હોવાનો આરોપ મૂકાયો હતો. આ ઘટનામાં કમિશનરના ચશ્મા તૂટ્યા હતા, સરકારી કાગળો ફાડી નાખવામાં આવ્યા હતા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.
વિજિલન્સ શાખાના પી.આઈ. જાડેજાની ફરિયાદને આધારે પોલીસે જશવંતિંસહ ભટ્ટી, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા સહિત કુલ 13 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. કેસની સુનાવણી દરમિયાન 13 પૈકી 4 આરોપીઓના અવસાન થતા તેઓના નામ કેસમાંથી કમી (એબેટ) કરવામાં આવ્યા હતા. નીચલી કોર્ટે નોંધ્યું હતું કે ખુદ તત્કાલીન કમિશનર મુકેશકુમારે કોઈ પણ વ્યક્તિ સામે નામજોગ જુબાની આપી નહોતી. વળી, સાક્ષીઓના નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો. કોઈ ચોક્કસ વ્યક્તિની ભૂમિકા સ્પષ્ટ ન થતા તમામ 9 આરોપીઓને `શંકાનો લાભ’ આપી છોડી મૂક્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા નીચલી કોર્ટના આ હુકમને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો અને બચાવ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લીધા હતા. અંતે, સેશન્સ કોર્ટે સરકારની અપીલ રદ કરી નીચલી કોર્ટનો નિર્દોષ છોડવાનો હુકમ યથાવત રાખ્યો હતો. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ પથિક દફતરી, ભાવિન દફતરી, પરેશ કુકવા, સંજયિંસહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા , નિશા સુદ્રા. શિવાંગી મજેઠીયા રોકાયેલા હતા.
