રશિયા-યુક્રેન યુદ્ધ શાંત પડવાને બદલે વધુ ભડક્યું ?? યુદ્ધ વધુ ગંભીર બને છે તેનું કારણ શું ?? વાંચો વિગતવાર
રશિયા એના યુક્રેનના યુદ્ધથી સૌ કોઈ કંટાળ્યા છે અને સમગ્ર વિશ્વને નુકસાન થઇ રહ્યું છે. આ યુદ્ધ શમવાને બદલે ભડકી રહ્યું છે. ગયા અઠવાડિયે ગુરુવારે, રશિયાએ દાવો કર્યો હતો કે તેણે યુક્રેન દ્વારા લોન્ચ કરાયેલી બે બ્રિટિશ નિર્મિત સ્ટોર્મ શેડો ક્રુઝ મિસાઇલોને તોડી પાડી હતી. મોસ્કોએ બેલેસ્ટિક મિસાઈલ વડે કિવને નિશાન બનાવ્યાના થોડા સમય બાદ આ બન્યું હતું. ઝડપથી વધી રહેલા યુદ્ધના હુમલાઓ પ્રશ્ન ઉભો કરે છે: યુદ્ધ વધુ ગંભીર બને છે તેનું કારણ શું છે?
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે આઉટગોઇંગ યુએસ પ્રમુખ જો બિડેને રશિયન પ્રદેશની અંદર યુક્રેનને હુમલો કરવા માટે યુએસ-નિર્મિત શસ્ત્રોના ઉપયોગને મંજૂરી આપી. આમાં યુક્રેનને આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ્સ (ATACMS)ની ડિલિવરીનો સમાવેશ થાય છે. આ નિર્ણય યુ.એસ.ની નીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે. અમેરીકન પ્રમુખ જ યુક્રેનને પોતાની સરહદથી દૂર રશિયન લક્ષ્યો પર હુમલો કરવાની મંજૂરી આપે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે ‘શસ્ત્રો જ હુમલાનો જવાબ આપશે’ – જેનો અર્થ એ કે યુક્રેન પણ નમતું મુકવા તૈયાર નથી.
ગયા અઠવાડિયાના મંગળવારે, યુદ્ધના 1,000માં દિવસે, રશિયાએ યુક્રેન પર તેના બ્રાયન્સ્ક પ્રદેશમાં યુએસ નિર્મિત છ એટીએસીએમએસ મિસાઇલો ફાયર કરવાનો આરોપ મૂક્યો હતો. રશિયાએ અહેવાલ આપ્યો કે તેણે પાંચ મિસાઈલોનો નાશ કર્યો, જેમાંથી એક લશ્કરી સ્થળ પર ત્રાટક્યું પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન, યુક્રેને એટીએસીએમએસના ઉપયોગની સત્તાવાર પુષ્ટિ કરી ન હતી, જોકે સૂત્રોએ સંકેત આપ્યો હતો કે ત્યારે પ્રથમ વખત લાંબા અંતરની મિસાઇલો તૈનાત કરવામાં આવી હતી.
તેના જવાબમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાની પરમાણુ નીતિમાં સુધારો કર્યો હતો. હવે રશિયા અથવા તેના સાથી બેલારુસ પરના પરંપરાગત હુમલાઓના જવાબમાં અણુ હુમલો પણ થઇ શકે તે ગર્ભિત ધમકી પુતિન તરફથી અપાઈ રહી છે. યુક્રેનનો વળતો જવાબ રશિયાના સાર્વભૌમત્વ અથવા પ્રાદેશિક અખંડિતતા માટે ગંભીર ખતરો ઉભો કરે છે એવું પુતિનને લાગે છે.
બીજા દિવસે એટલે કે બુધવારે યુ.એસ.એ યુક્રેનને એન્ટી-પર્સોનેલ માઈન્સ વાપરવાની મંજૂરી આપી હતી, જે પૂર્વીય યુક્રેનમાં રશિયન દળોની ગતિને ધીમી કરશે તેવી અપેક્ષા છે. આ માઈન્સ વિનાશ માટે બનાવવામાં આવી છે. યુએસએ યુક્રેનને વધારાની સૈન્ય સહાયમાં 275 મિલિયન ડોલરની પણ જાહેરાત કરી હતી. જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલાં બિડેન વહીવટ યુક્રેનને શક્ય એટલો ટેકો આપી દેશે.
તે જ દિવસે, યુક્રેને તેની ઉત્તરપૂર્વીય સરહદની નજીકના વિસ્તારોને નિશાન બનાવીને રશિયા પર બ્રિટિશ નિર્મિત સ્ટોર્મ શેડો મિસાઇલો લોન્ચ કરી હતી. રશિયન મીડિયામાં મિસાઇલ હુમલાનો વ્યાપકપણે ઢંઢેરો પીટવમ આવ્યો હતો. જોકે યુક્રેનિયન અધિકારીઓએ સત્તાવાર રીતે ટિપ્પણી કરી ન હતી. સંભવિત મોટા પાયે હુમલાની ચેતવણીને કારણે કિવમાં કેટલાક વિદેશી દૂતાવાસો અસ્થાયી રૂપે બંધ છે.
ગુરુવારે જ્યારે રશિયાએ યુક્રેનના એક શહેર ડીનીપ્રો ખાતે “ઓરેશ્નિક” નામની હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ છોડી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી. રશિયન પ્રમુખ પુતિને આવા વધુ હુમલાઓ અંગે ચેતવણી આપતા કહ્યું કે નાગરિકોને અગાઉથી ચેતવણી આપવામાં આવશે. જવાબમાં, નાટોએ મિસાઇલને ઇન્ટરમિડિયેટ-રેન્જ બેલિસ્ટિક પ્રકાર તરીકે પુષ્ટિ આપી, ઇન્ટરકોન્ટિનેન્ટલ નહીં.
નિષ્ણાતો માને છે કે રાષ્ટ્રપતિ પુતિન પશ્ચિમના દેશોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાટોમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત ઈવો ડાલ્ડરે કહ્યું કે આ ધમકીઓ રશિયાની નબળાઈની નિશાની છે, તાકાત નહીં. પ્રશ્ન એ છે કે પરિસ્થિતિ કેટલી આગળ વધી શકે છે અને કેટલી ઝડપથી? આવનારા દિવસો બતાવશે કે શું યુદ્ધમાં થયેલો વધારો સંઘર્ષના વધુ તીવ્ર તબક્કા તરફ દોરી જશે કે કેમ, કારણ કે બંને પક્ષો તેમની મર્યાદાને ઓળંગીને એકબીજાને પતાવી દેવાના જુસ્સા સાથે આગળ વધી રહ્યા છે.