રાહુલ ગાંધી પાસેથી છીનવાશે ‘વિપક્ષ નેતા’ નું પદ ?? જાણો કોણે આપ્યા સંકેતો
હરિયાણાની ચુંટણીની હાર બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે અને મોટા રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે જ ભાજપ દ્વારા નવો જ ધડાકો કરીને એવો દાવો કરાયો છે કે લોકસભાના વિપક્ષના નેતા પદેથી ઈન્ડિયા ગઠબંધન રાહુલ ગાંધીને હટાવવા વિચાર કરે છે.
ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે એવું નિવેદન કર્યું હતું કે જો ઈન્ડિયા ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી સારી કામગીરી કરતાં નથી તો એમણે આ ફેરફાર કરવો જોઈએ. આમ કોંગ્રેસની અંદર કોઈ મોટી ગડમથલ ચાલી રહી હોવાનો સંકેત સ્વરાજે આપી દીધો હતો. આ બારામાં રાજકીય પક્ષોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને કઈક રંધાઈ રહ્યું હોવાની સંભાવના છે.
એમણે કહ્યું છે કે ઈન્ડિયા ગઠબંધનની અંદર અનેક સક્ષમ નેતાઓ છે જે વિપક્ષના નેતા તરીકેની ભૂમિકા નિભાવી શકે છે. જો કે આ તો ઈન્ડિયા ગઠબંધનનો આંતરિક મામલો છે. દરમિયાનમાં સ્વરાજના આ દાવાને પગલે વિપક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
રાજકીય નિષ્ણાતોનો મત એવો છે કે 10 ટકા બેઠકો ધરાવતી પાર્ટીના નેતાને જ વિપક્ષનું નેતા પદ મળી શકે છે . કોંગ્રેસ અત્યારે લોકસભામાં વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી છે માટે રાહુલ ગાંધીને નેતા બનાવ્યા છે. પાર્ટી વડા મથકે મીડિયા સાથે વાતચીત દરમિયાન સ્વરાજે કહ્યું હતું કે મે એવું સાંભળ્યું છે કે વિપક્ષના નેતા પદને રોટેશનલ બનાવવાની વાત ચાલી રહી છે.