યુક્રેન યુદ્ધના અંતની શક્યતા ઉજળી બની : પુતિન-ઝેલેન્સકી વચ્ચે યોજાશે બેઠક, વોશિંગ્ટન બેઠકમાં યુકેનની સુરક્ષા ગેરંટી પર ચર્ચા
યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી તેમજ યુરોપિયન યુનિયન અને નાટોના નેતાઓ વચ્ચે યોજાયેલી ઐતિહાસિક બેઠક બાદ હવે યુદ્ધનો અંત આવવાની આશા બળવતર બની છે. આ બેઠકમાં યુક્રેનની સુરક્ષા ચિંતાઓ, રશિયાની માંગણી, અને શાંતિ કરાર અંગે ચર્ચાઓ થઈ હતી.ટ્રમ્પે ચાલુ બેઠકે પુતિન સાથે ફોન ઉપર વાત કરીને એ બેઠકમાં થયેલી ચર્ચાઓ અંગે જાણકારી આપી હતી.તેમાં નજીકના ભવિષ્યમાં જ પુતિન અને ઝેલેન્સકી વચ્ચે દ્વિપક્ષીય બેઠક અને ત્યાર બાદ એ બન્ને નેતાઓ અને ટ્રમ્પ વચ્ચે ત્રીપક્ષીય બેઠક યોજવાનો નિર્ણય લેવાયો હતો.ઝેલેન્સકીએ આ બેઠકને ખૂબ રચનાત્મક ગણાવી હતી.ટ્રમ્પે આ બેઠકની ફળશ્રુતિને યુદ્ધની સમાપ્તિ અને કાયમી શાંતિ સ્થાપવાની દિશામાં મહત્વની પ્રગતિ તરીકે અને નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે આ બેઠકને ખૂબ સફળ ગણાવી હતી.

આખા વિશ્વની જેની ઉપર નજર હતી તેવી આ બેઠકમાં ટ્રમ્પે યુદ્ધ વિરામ ને બદલે કાયમી શાંતિ કરાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ રાખ્યો હતો.બેઠકમાં યુક્રેનની સુરક્ષા ગેરંટી, માનવીય ચિંતાઓ અને શાંતિ પ્રક્રિયાને આગળ વધારવા માટેના પગલાંઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ઝેલેન્સકીએ રશિયા દ્વારા કબજે કરાયેલા પ્રદેશોના નકશા પર ટ્રમ્પ સાથે લાંબી ચર્ચા કરી હતી, પરંતુ સીમાઓ ફરીથી નક્કી કરવા અંગે કોઈ ચર્ચા થઈ નહોતી.
આ પણ વાંચો : રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હવે તીડનો ત્રાસ! પેસેન્જર લોન્જમાં અંદરના ભાગે અસંખ્ય તીડ ઉભરાઈ પડયા મુસાફરોને ભારે હાલાકી
આ બેઠકે યુક્રેન યુદ્ધના અંત માટે આશાનું કિરણ જગાવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, “અમે બધા એક જ ધ્યેય માટે કામ કરી રહ્યા છીએ – હત્યાઓ બંધ કરવી અને આ મુદ્દો ઉકેલવો.” ઝેલેન્સકીએ બેઠકને “ખૂબ જ રચનાત્મક” ગણાવી અને જણાવ્યું કે સુરક્ષા ગેરંટીની વિગતો આગામી 10 દિવસમાં નક્કી થઈ શકે છે. યુરોપિયન નેતાઓએ ટ્રમ્પના સુરક્ષા ગેરંટી આપવાના નિર્ણયને “વાસ્તવિક સફળતા” તરીકે આવકાર્યો હતો.

ટ્રમ્પે ઝેલેન્સકી અને પુતિન વચ્ચે બે અઠવાડિયામાં બેઠક યોજવાની શક્યતા વ્યક્ત કરી છે, જે બાદ ત્રિપક્ષીય બેઠક યોજાઈ શકે છે.
બેઠક બાદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું, “દરેક વ્યક્તિ રશિયા/યુક્રેન માટે શાંતિની શક્યતાથી ખૂબ ખુશ છે.” ઝેલેન્સકીએ બેઠકને “શ્રેષ્ઠ” ગણાવી અને ટ્રમ્પના આમંત્રણનો આભાર માન્યો હતો. યુરોપિયન નેતાઓએ ટ્રમ્પના સુરક્ષા ગેરંટીના વચનને આવકાર્યું, પરંતુ યુદ્ધવિરામની જરૂરિયાત પર ભાર મૂક્યોહતો. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિઓએ બેઠકને “અભૂતપૂર્વ” અને “મહત્વની ક્ષણ” ગણાવી હતી.
યુક્રેનને જડબેસલાક સુરક્ષાની ગેરંટી
ઝેલેન્સકીએ જણાવ્યું કે આ ગેરંટીઓ “વ્યવહારિક” હોવી જોઈએ, જેમાં જમીન, હવા અને સમુદ્રમાં રક્ષણનો સમાવેશ થાય. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે યુરોપિયન દેશો આ ગેરંટીઓનો મુખ્ય ભાગ હશે. તેમણે અમેરિકન સૈન્ય મોકલવાની શક્યતા નકારી નથી. સુરક્ષા ખાતરી અંગે ટ્રમ્પે જણાવ્યું કે યુરોપિયન દેશો મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે અમેરિકા સંકલન કરશે. યુએસ એન્વોય સ્ટીવ વિટકોફે નાટો સમકક્ષ “આર્ટિકલ 5” શૈલીની ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો. ઝેલેન્સકીએ રશિયા દ્વારા અપહૃત બાળકોની વાપસી અને યુદ્ધબંદીઓની આપ-લેનો મુદ્દો ઉઠાવ્યો હતો.યુક્રેન યુરોપિયન ફંડિંગ દ્વારા $90-100 અબજના અમેરિકી શસ્ત્રો ખરીદી શકે છે એવા નિર્દેશ મળ્યા હતા.
યુરોપિયન યુનિયન અને નાટોનું વલણ
જો કે આ બેઠકમાં ટ્રમ્પ અને યુરોપિયન યુનિયનના નેતાઓ વચ્ચેનો અભિપ્રાય ભેદ પણ સપાટી પર આવી ગયો હતો. ટ્રમ્પે યુદ્ધ વિરામ ને બદલે કાયમી શાંતિ કરારનો આગ્રહ રાખ્યો હતો જ્યારે યુરોપિયન નેતાઓએ યુદ્ધવિરામને શાંતિ વાટાઘાટોની પૂર્વશરત ગણાવી હતી. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ટ્રમ્પને “વ્યવહારિક શાંતિ નિર્માતા” ગણાવી અને બેઠકને “ખૂબ જ સફળ” ગણાવી હતી. યુકે ફ્રાન્સ અને જર્મનીના બનેલા “કોએલિશન ઓફ ધ વિલિંગ” નામના ગઠબંધને યુદ્ધ બાદ યુક્રેનની સુરક્ષા માટે “રિએશ્યોરન્સ ફોર્સ” તૈનાત કરવાની તૈયારી દર્શાવી હતી
યુદ્ધના અંતની દિશામાં પ્રગતિ, પણ કેટલીક અડચણો યથાવત
આ બેઠકે યુક્રેન યુદ્ધના અંત માટે નવો માર્ગ ખોલ્યો છે. ટ્રમ્પની મધ્યસ્થીથી ઝેલેન્સકી અને પુતિન વચ્ચે સીધી વાતચીતની શક્યતા વધી છે. જોકે ડોનેત્સ્ક અને અન્ય પ્રદેશોના કબજાની રશિયાની માંગણી તથા યુક્રેનના નાટો પ્રવેશ જેવા મુદ્દાઓ હજુ પણ અડચણરૂપ છે. યુરોપિયન નેતાઓએ આ બેઠકમાં પણ, રશિયાને કોઈપણ પ્રદેશનો કબજો આપવાથી ભવિષ્યમાં આક્રમણનું જોખમ વધવાની ચેતવણી દોહરાવી હતી.
