બેંગકોક જઈ રહેલા વિમાનના ચાલકને આદેશ થયો,”જ્યાં છો ત્યાંથી પરત ફરો”
અપહરણ થયાનો ફોન આવતા વિમાન પુણે પરત લવાયું: ખાનગીમાં થાઇલેન્ડ જવાનું ભારે પડ્યું
ણેથી બેંગકોક જઈ રહેલા એક ચાર્ટર્ડ વિમાનના પાયલોટને અચાનક જ અધવચ્ચેથી પુણે પરત ફરવાનો આદેશ થયો. પાયલોટે વિમાનની દિશા બદલાવી અને જ્યારે પ્લેન પુણે એરપોર્ટ પર ઉતર્યું ત્યારે છેક તેમાં બેઠેલા ત્રણ મુસાફરોને ખબર પડી કે તેમની બેંગકોક ને બદલે પૂણેમાં જ ઘર વાપસી થઈ ગઈ છે.

એ ચાર્ટર્ડ વિમાનમાં મહારાષ્ટ્ર શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મંત્રી તનાજી સાવંતનો પુત્ર ઋષિરાજ સાવંત અને તેના બે મિત્રો સવાર હતા.ઋષિરાજે પોતે ચાર્ટર્ડ પ્લેન કરીને બેંગકોક જઈ રહ્યો હોવા અંગે પરિવારજનોને જાણ નહોતી કરી.દરમિયાનમાં સોમવારે બપોરે ચાર વાગ્યે પૂણે પોલીસને ઋષિરાજ સાવંતનું અપહરણ કરાયું હોવાનો અજાણ્યા શખ્સ તરફથી ફોન આવતાં દોડધામ મચી ગઇ હતી.એ પછી તનાજી સાવંતે કરેલી તપાસમાં તેમના સુપુત્રએ બેંગકોક જવા માટે ચાર્ટર્ડ વિમાન ભાડે કર્યું હોવાની માહિતી મળતા તેમણે પોલીસવડાનો સંપર્ક કર્યા બાદ તાબડતોબ અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી.બાદમાં સિવિલ એવિએશન મિનિસ્ટ્રી અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના આદેશ થતાં પાઇલોટને વિમાન પરત લાવવાની સૂચના આપવામા આવી હતી.બનાવની ગંભીરતા પારખી વિમાનનો માર્ગ દર્શાવતી સ્ક્રીન બંધ કરી દેવામાં આવી હતી જેથી મુસાફરોને કાઈ શંકા ન જાય.પાયલોટના જણાવ્યા અનુસાર એ સમયે વિમાન અંદામાન નિકોબાર ટાપુના પોર્ટ બ્લેર સુધી પહોંચી ગયું હતું.આખું ઓપરેશન ચુપચાપ પાર પાડવામાં આવ્યું હતું.વિમાન સાંજે આઠ વાગ્યે પૂણે એરપોર્ટ ઉપર લેન્ડ થયું ત્યારે ઋષિરાજ અને તેના મિત્રો સ્તબ્ધ થઈ ગયા હતા.વિમાન ઉતરતાં જ સીઆઈએસએફના જવાનો વિમાનમાં ધસી ગયા હતા અને ત્રણેય નો કબજો લઈ લીધો હતો.
ઋષિરાજે, પોતે બિઝનેસ અર્થે બેંગકોક જઈ રહ્યોં હોવાનો પણ પરિવારના સભ્યો અપસેટ ન થાય એટલે કોઈને જાણ ન કરી હોવાનો બચાવ કર્યોં હતો. નોંધનીય છે કે મેડિકલ ઇમરજન્સી, ટેકનિકલ ક્ષતિ કે બોમ્બની ધમકી જેવા અસાધારણ સંજોગોને બાદ કરતાં કોઈ ક્રિમીનલ ફરિયાદને કારણે વિમાનને અધવચ્ચેથી પરત લાવવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી.