અરજદારોના ‘ફોગટફેરા’ બંધ થશે: રાજકોટ મનપામાં લિફ્ટનું કામ શર,’વોઇસ ઓફ ડે’દ્વારા પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ તંત્રની આંખ ખુલી
‘વોઈસ ઓફ ડે’ દ્વારા ગત 17 ડિસેમ્બરે રાજકોટ મહાપાલિકાની એસ.ટી.બસ પોર્ટ પાસે આવેલી સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની બે પૈકી એક લિફ્ટ ઘણા લાંબા સમયથી બંધ હોવાથી અરજદારોની `પીડા’ વ્યક્ત કરતો અહેવાલ પ્રસિદ્ધ કરાતાં જ તંત્ર દ્વારા તાત્કાલિક બંધ પડેલી લિફ્ટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ ઝોનના ગ્રાઉન્ડ ફ્લોર પર સુરક્ષા વિભાગ પાસેની લિફ્ટ ચાલુ રખાઈ હતી જ્યારે ફાયર વિભાગ નજીક આવેલી લિફ્ટ બંધ થઈ ગઈ હોવાને કારણે દરરોજ મોટી સંખ્યામાં કચેરીએ આવતા અરજદારોએ આમથી તેમ ભટકવું પડતું હતું. જે લિફ્ટ બંધ રખાઈ હતી ત્યાં નવી લિફ્ટ નાખવાની હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

જો કે જેવો અહેવાલ પ્રસિદ્ધ થયો કે તુરંત જ નવી લિફ્ટનો સામાન મંગાવી લેવામાં આવ્યો અને તુરંત કામ પણ શરૂ કરી દેવાતાં હવે ટૂંક સમયમાં જ નવી લિફ્ટ કાર્યરત થઈ જશે. જો કે આ લિફ્ટ શરૂ થશે એટલે સામેના ભાગે સુરક્ષા વિભાગ પાસેની લિફ્ટ બંધ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું હતું.

