કેજરીવાલે બનાવેલા મોહલ્લા ક્લિનિક બનશે ‘આરોગ્ય મંદિર’
દિલ્હીમાં કેજરીવાલ સરકારે બનાવેલા મોહલ્લા ક્લિનિકને આરોગ્ય મંદિરમાં રૂપાંતર કરવાની યોજના સરકારે બનાવી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર મહોલ્લા ક્લિનિક બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ પણ કરવામાં આવશે.
ક્લિનિક્સમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે આ પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે મંત્રાલયે નવા સ્વાસ્થ્ય મંત્રી પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય યોજનાઓ પર ચર્ચા કરશે અને દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક્સને આરોગ્ય મંદિર તરીકે બદલવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત, તે નવા સ્વાસ્થ્ય મંત્રી પાસેથી મોહલ્લા ક્લિનિક્સમાં ભ્રષ્ટાચારના આરોપો અંગે પણ રિપોર્ટ માંગશે. એક મહત્વપૂર્ણ વિકાસમાં, મંત્રાલય દિલ્હીમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ના અમલીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
સૂત્રોએ જણાવ્યું કે, ‘બીજું મોટું પગલું દિલ્હીમાં AB-PMJAY યોજનાનું અમલીકરણ છે, જેના હેઠળ 51 લાખ લોકોને આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવે તેવી શક્યતા છે.’
ભાજપે દિલ્હી ચૂંટણી માટે પોતાના મેનિફેસ્ટોમાં આયુષ્માન યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ હવે પાર્ટી આ વચનને પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.