ડિલિવરીના દર્દથી કણસતી સગર્ભાની મદદે પહોંચેલા 108ના સ્ટાફનો મોબાઇલ ગઠીયો સરકાવી ગયો! રાજકોટની ઘટના
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ખોડિયારનગર શાક માર્કેટમાં ડિલિવરીના દર્દથી કણસતી સગર્ભાની મદદે પહોંચેલા 108 ના સ્ટાફનો સીયુજી મોબાઈલ કોઈ ગઠિયાએ સરકાવી લેતા માલવિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે ખિસ્સામાં મોબાઈલ ન હોવાની જાણ થતાં જ આજુબાજુમાં ઉભેલા કેટલા લોકોની સ્ટાફે તલાશી લીધી પણ મોબાઈલ મળી આવ્યો ન હતો.
મળતી માહિતી મુજબ, વિજય પ્લોટ શેરી નં 25માં રહેતા અને 108માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં અલ્પેશભાઈ જીણાભાઈ બાંભણિયાએ માલવિયાનગર પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઈએમટી ડૉક્ટર રવિભાઈ રાવળ સાથે તેઓ રામધાણ આશ્રમ મવડી સ્મશાન પાસે 108 ના પોઇન્ટ ઉપર હતા ત્યારે સાંજના 6.30 વાગ્યા આસપાસ ગોંડલ રોડ ખોડિયારનગર શાક માર્કેટથી લેબર પેઇનનો કેસ આવેલો હતો. જેથી તે 108 લઈને તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન તેમની પાસે રહેલ સીયુજી મોબાઈલ તેઓએ પહેરેલા એપ્રોનમાં હતો. સગર્ભાને 108માં ચડાવતાં હોય ત્યારે આજુબાજુ ભીડ જમા થઈ ગઈ હતી.
દર્દીને એમ્યુલન્સમાં ચડાવી પોતાના એપ્રોનમાં ચેક કરતાં મોબાઈલ મળી આવેલ નહીં જેથી શંકાસ્પદ લાગતાં કેટલાક લોકોના ખિસ્સા ચેક કરવા છતાં પણ મોબાઈલ ન મળતા તેઓ હોસ્પિટલ તરફ નીકળી ગયા હતા. બનાવ અંગે માલવિયાનગર પોલીસે રૂપિયા 12.711 કિંમતના મોબાઇલ ફોનની ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
