બેઠક અદાણીના બંગલે નહોતી મળી, અદાણી હાજર નહોતા: દેવેન્દ્ર ફડાણવિસ
2019 ની બેઠા ક અંગે અજીત પવારે વટાણા વેરી દીધા બાદ વિવાદ વકર્યો
બેઠક અદાણીના દિલ્હીના બંગલે મળી હતી, અદાણી હાજર હતા: શરદ પવાર
2019 ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને એનસીપીની ગઠબંધન સરકાર રચવા માટે ગૌતમ અદાણીના બંગલે બેઠક મળી હોવાનો અને એ બેઠકમાં ગૌતમ અદાણી પોતે પણ હાજર હોવાનો મહાયુતી ગઠબંધનના ઘટક પક્ષ એનસીપીના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે ધડાકો કર્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષોને નવું શસ્ત્ર મળી ગયું છે. ભાજપની સરકાર અદાણી ની સરકાર હોવાના આક્ષેપને બમણા જોરથી દોહરાવવાની કોંગ્રેસને તક મળી ગઈ છે. મહારાષ્ટ્રની સરકાર ના ગઠનમાં ગૌતમ અદાણીની કથિત ભૂમિકા સામે વિપક્ષો પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે એ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરસ્પર વિરોધાભાસી ખુલાસાઓ શરૂ થયા છે. દેવેન્દ્ર ફડણવિસે બેઠક મળી હોવાનું કબૂલ્યું હતું પણ તે બેઠક ગૌતમ અદાણીના બંગલે ન મળી હોવાનો અને બેઠકમાં અદાણી હાજર ન હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ શરદ પવારે એ બેઠક દિલ્હીના અદાણીના બંગલે જ મળી હોવાનો અને સ્વયં ગૌતમ અદાણી એ બેઠકમાં ઉપસ્થિત હોવાનો ખુલાસો કર્યો હતો.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે 2019 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. એ ગઠબંધનને બહુમતી મળ્યા બાદ બંને પક્ષો વચ્ચે મુખ્યમંત્રી પદ માટે વિવાદ થયો હતો. અમિત શાહે ભાજપ અને શિવસેના બંનેને અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવાનું વચન આપ્યું હોવાનો ઉદ્ધવ ઠાકરેએ દાવો કરી મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી હતી. ભાજપે એ દાવાને નકારી ઉદ્ધવ ઠાકરે ની માગણીને ઠુકરાવી દેતા ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યા એની જાહેરાત કરી હતી. આવા સંજોગોમાં સરકાર ગઠનનું કામ ટલ્લે ચડ્યું હતું. અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ત્યારબાદ અજીત પવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. એનસીપીના 51 ધારાસભ્ય નો ટેકો હોવાનો દાવો કરતો પત્ર ગવર્નરને સોંપવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરતો પત્ર રાષ્ટ્રપતિને મોકલ્યો હતો અને બાદમાં મહારાષ્ટ્રના ગવર્નરે સવારે છ વાગ્યે શપથવિધિ સમારોહ યોજી દેતાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે બાદમાં અજીત પવારે સમર્થન પાછું ખેંચાઈ લેતા 80 કલાક બાદ ફડણવીસે રાજીનામું આપવું પડ્યું હતું. 2019 ના એ બહુચર્ચિત ઘટનાક્રમમાં ગૌતમ અદાણીની કથિત ભૂમિકા વિશે અજીત પવારે વટાણા વેરી દેતા નવો વિવાદ શરૂ થયો છે.
શું કહ્યું હતું અજીત પવારે?
અજીત પવારે કહ્યું હતું,” 2019 ની બેઠક મળી તેને પાંચ વર્ષ થઈ ગયા. બધા જાણે છે કે કોને ત્યાં બેઠક મળી હતી. બેઠક દિલ્હીમાં એક મોટા ઉદ્યોગપતિના બંગલે મળી હતી. તેમાં મારા ઉપરાંત ગૌતમ અદાણી,ગૃહ મંત્રી અમિત શાહ, શરદ પવાર, પ્રફુલ પટેલ અને દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત હતા. બધું જ એ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું પણ છેલ્લે દોષનો ટોપલો મારી ઉપર ઢોળી દેવાયો અને મેં તે લઈ લીધો..” અજીત સવારે કુલ પાંચ વખત બેઠક મળી હોવાનો દાવો કર્યો હતો.
એનસીપીના નેતાઓ સામેની તપાસનું ફિંડલું વાળી દેવાની ખાતરી મળી હતી: શરદ પવાર
2019 ની એ બેઠક ગૌતમ અદાણીના બંગલે મળી હતી કે નહીં અને તેઓ હાજર હતા કે નહીં તેના વિવાદ વચ્ચે શરદ પવારે પણ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે એ બેઠક ગૌતમ અદાણીના દિલ્હી ખાતેના બંગલે જ મળી હતી. તેમાં ગૌતમ અદાણી ઉપરાંત અમિત શાહ અને અજીત પવાર પણ ઉપસ્થિત હતા. તેમણે ઉમેર્યું કે એનસીપીના તેમના અનેક સાથીઓ સામે કેન્દ્રીય એજન્સીઓની તપાસ ચાલુ હતી. જો એ બધા ભાજપ ને ટેકો આપે તો તપાસનું ફીંડલું વાળી દેવાની ભાજપે ખાતરી આપી હોવાનું એ નેતાઓએ જણાવ્યું હતું. જો કે ભાજપ એ વચનનું પાલન નહીં કરે એવી આશંકા શરદ પવારે દર્શાવી હતી. તેમણે કહ્યું કે તેમ છતાં મારા સાથીઓ ભાજપના મોઢેથી જ એ વાત સાંભળવાના આગ્રહી હતા અને અંતે હું એ બેઠકમાં જોડાયો હતો. એ બેઠક દરમિયાન ગૌતમ અદાણીએ રાજકીય ચર્ચામાં કોઈ ભાગ ન લીધો હોવાની સ્પષ્ટતા શરદ સવારે કરી હતી.
શરદ પવાર છેલ્લે સુધી સાથે હતા પણ પછી દગો કર્યો: દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે એકે ન્યુઝ પોર્ટલ સાથેની સાથેની મુલાકાતમાં 2019 માં મળેલી બેઠક અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું,” હા, બેઠક મળી હતી પણ તે અદાણીના બંગલે નહીં. ગૌતમ અદાણી તેમાં હાજર પણ ન હતા. એ બેઠકમાં મારા ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, શરદ પવાર,અજીત પવાર અને પ્રફુલ પટેલ હાજર હતા. તેમાં સરકારના ગઠન અને પ્રધાનપદ તથા ખાતાની ફાળવણી અંગે ચર્ચા થઈ હતી. એ આયોજનને પાર પાડવાની જવાબદારી મને અને અજીત પવારને સોંપવામાં આવી હતી પણ જ્યારે તેનો અમલ કરવામાં આવ્યો ત્યારે શરદ પવાર દગો દઈ અને હટી ગયા હતા.” તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે શરદ પવાર ગવર્નરને પત્ર લખે તેવું નક્કી થયું હતું. એ પત્ર ફડણવીસની ઓફિસમાં લખાયો હતો. શરદ પવાર એ સમયે લીલાવતી હોસ્પિટલમાં સંજય રાઉતની તબિયત જોવા માટે ગયા હતા. તેમણે પત્રમાં થોડો ફેરફાર કર્યો અને તે પછી તે પત્ર મોકલી દેવામાં આવ્યો હતો.
બે નાયબ મુખ્યમંત્રી માંથી કોણ સાચા?
મામલો ગુંચવાયો છે. અજીત પવારની એનસીપી ભાજપના નેતૃત્વ વાળી મહાયુતી માં સામેલ છે.અજીત પવાર ખુદ નાયબ મુખ્યમંત્રી છે. તેમણે 2019ની બેઠકમાં અદાણી હાજર હોવાનો દાવો કર્યો છે તો ભાજપના દિગ્ગજ નેતા અને બીજા નાયબ મુખ્યમંત્રી ફડણવિસ બેઠક અન્ય સ્થળે મળી હોવાનો અને બેઠકમાં અદાણી હાજર ન હોવાનો દાવો કરે છે. બે સાથી પક્ષના ટોચના નેતાઓ જ અલગ અલગ દાવા કરે છે ત્યારે કોણ સાચું અને કોણ ખોટું એ સવાલ દેખીતી રીતે જ ઊભો થયો છે.