કેલિફોર્નિયામાં ઇતિહાસની સૌથી મોટી આગ લાગી : અનેક વિસ્તારો ભડભડ સળગ્યા,હોલીવુડમાં પણ આગ પ્રસરી ; 5ના મોત
અમેરિકના કેલિફોર્નિયા રાજ્યના ઇતિહાસની સૌથી વધુ વિનાશક આગમાં લોસ એન્જેલન્સ સહિત અનેક શહેરોમાં અકલ્પ્ય ખાનાખરાબી થઈ છે. મુવી અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના હબ ગણાતા હોલીવુડ હિલ્સ સુધી પણ આગ પ્રસરતા અનેક ફિલ્મ સ્ટાર્સના મકાનો સહિત અનેક ઐતિહાસિક ઇમારતો અને સ્મારક નાશ પામ્યા હતા. કેલિફોર્નિયાના ગવર્નરે આ આગને ‘ સર્વનાશકારી દવ ‘ ગણાવ્યો હતો.આ વિકરાળ આગમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ થયા છે અને મૃત્યુ આંક વધવાનો ભય દર્શાવાઇ રહ્યો છે. આગની ભયાનકતાને ધ્યાનમાં રાખી કેલિફોર્નિયામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. અનેક નગરો ફરજિયાત ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. લાખો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.
કેલિફોર્નિયાના પેસિફિક પેલીસેડ્સ, ઇટન અને હર્સ્ટના જંગલોમાં લાગેલી આગ શહેરી રહેણાંક વિસ્તારોમાં પ્રસરતા બિહામણી સ્થિતિ નિર્માણ પામી છે. મંગળવારે શરૂ થયેલી આગ તેજ હવાને કારણે ખૂબ ઝડપભેર ફેલાઈ જતા ભારે અંધાધુંધી ફેલાઈ હતી. ઝંઝાવાતી પવનને કારણે હેલિકોપ્ટર દ્વારા પાણી છંટકાવ કરવાની પ્રક્રિયામાં અવરોધ સર્જાયો હતો. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સરકારની સૂચનાની રાહ જોયા વગર જ મકાનો ખાલી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સન સેટ ફાયરને કારણે હોલીવુડ પર જોખમ
હોલીવુડને લપેટમાં લેનાર આગને સન સેટ ફાયર નામ
આપવામાં આવ્યું છે. મંગળવારે મોડી રાત્રે એ આગ ફાટી નીકળ્યા બાદ જોત જોતા માં 60 એકર વિસ્તાર
અગનજ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો અને વિકરાળ જોડાઓ અનિયંત્રિત રીતે આગળ વધતાં હોલિવૂડના અનેક ઐતિહાસિક સ્થળો જોખમમાં મુકાઈ ગયા છે. બીજી તરફ આગને કારણે ફેલાયેલી અંધાધુંધી તેમજ સલામત રીતે નીકળી જવાની હોડને કારણે હોલીવુડ હીલ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતા અનેક ફાયર ટ્રક્સ, પોલીસના વાહનો અને એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી.
જો બાઇડેને રોમનો પ્રવાસ રદ કર્યો
અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઇડેન શુક્રવારે ઇટાલી જવાના હતા. ત્યાં તેઓ પોપ ફ્રાંસીસ ઉપરાંત ઈટાલીના વડાપ્રધાન અને પ્રમુખ સાથે મુલાકાત કરવાના હતા. પરંતુ ટેલીફોર્નિયામાં સર્જાયેલી કટોકટીને કારણે તેમણે રોમનો પ્રવાસ રદ કર્યો હતો.
અકલ્પ્ય નુકસાની
- 57 અબજ ડોલરનું નુકસાન
- 15 લાખ લોકોનું સ્થળાંતર
- 1.5 કરોડ લોકો ધુમાડા અને રાખના આવરણમાં
- 15 લાખ લોકો વીજળી વિહોણા
- 4 શહેર આખેઆખા ખાલી કરાવાયા
- 15 હજારથી વધુ લોકો દ્વારા બચાવ કામગીરી
- હજારો એકર વિસ્તાર આગની લપેટમાં
- 15 હજારથી વધુ કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી