‘ધ કેરળ સ્ટોરી-2’ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઇ: કેરળ હાઇકોર્ટની સખ્તાઇ,સેન્સર સર્ટિફિકેટને પડકારતી અરજી પર નોટિસ પાઠવી
વિવાદોમાં ઘેરાયેલ ફિલ્મ ધ કેરળ સ્ટોરીના સિક્વલ `ધ કેરળ સ્ટોરી-2: ગો બિયૉન્ડ’ની રિલીઝ પહેલાં જ કાનૂની પડકારો ઊભા થયા છે. કેરળ હાઇ કોર્ટે ફિલ્મના સર્ટિફિકેશનને પડકારતી અરજી પર નિર્માતાઓને નોટિસ પાઠવી છે.
અરજદાર શ્રીદેવ નમ્બૂદિરીએ દાવો કર્યો છે કે ફિલ્મમાં કેટલીક રાજ્યોની મહિલાઓને સંબંધોમાં ફસાવી જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવાના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. તેમણે ફિલ્મના ટીજરની છેલ્લી લાઇન “હવે સહન નહીં કરીએ… લડશું”ને સાંપ્રદાયિક તણાવ વધારનારી ગણાવી છે.
અરજીમાં આક્ષેપ છે કે Central Board of Film Certificationએ સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ની કલમ ૫ઇ હેઠળની જોગવાઈઓનું યોગ્ય પાલન કર્યું નથી. આ કલમ અનુસાર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને શિસ્ત વિરુદ્ધ અથવા અપરાધને પ્રોત્સાહન આપતી ફિલ્મોને પ્રમાણપત્ર આપવાથી રોકી શકાય છે.
અરજદાર દ્વારા ફિલ્મનું સર્ટિફિકેટ રદ્દ કરવાની, ફરી કાનૂની સમીક્ષા કરવાની તેમજ રિલીઝ પર રોક અથવા જરૂરી ફેરફારો અને ડિસ્ક્લેમર ઉમેરવાની માંગ કરવામાં આવી છે.
