રમજાન માસમાં બનેલી ઘટનાના આંતરરાષ્ટ્રીય પડઘા પડવાની સંભાવના…વાંચો શું થયું..
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢતાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો
ઇજાગ્રસ્ત ત્રણ વિદ્યાર્થી હોસ્પિટલમાં:જય શ્રી રામના નારા સાથે ટોળાએ માર માર્યો: રૂમમાં તોડફોડ, લેપટોપ, એસી અને વાહનોને નુકસાન
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓની અર્જન્ટ બેઠક બોલાવી
અમદાવાદમાં શનિવારની રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢી રહેલા વિદેશના પાંચ જેટલા મુસ્લિમ વિદ્યાર્થીઓ પર ટોળાએ હુમલો કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ટોળાએ હોસ્ટેલમાં ઘુસી આ વિદ્યાર્થીઓને માર માર્યો હતો અને રૂમમાં ઘૂસી તોડફોડ કરી હતી. તોફાનીઓએ વિદ્યાર્થીઓના લેપટોપ,એસી તોડી પાડ્યા હતા અને પાર્કિંગમાં પડેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થતાં એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની આ ઘટના ના આંતરરાષ્ટ્રીય પડઘાં પડવાની સંભાવના ને ધ્યાનમાં લઇ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે અને બાદમાં હોસ્પિટલને દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતાને પારખી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રવિવારે સવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની અર્જન્ટ બેઠક બોલાવી હતી અને જવાબદાર તત્વોને ઝબે કરવા આદેશ આપ્યો હતો.
ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ હોસ્ટેલના A બ્લોકમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા ત્યારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મોટું ટોળું ત્યાં ઘસી ગયું હતું અને અહીં કેમ નમાઝ પઢો છો તેમ કહી હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીઓના કહેવા મુજબ 150 થી વધુ લોકોનું ટોળું જય શ્રી રામના નારા સાથે હોસ્ટેલ પરિસરમાં ઘૂસી ગયું હતું. એ દરમિયાન પથ્થરમારા ની ઘટના પણ બની હતી. ટોળાએ આ વિદ્યાર્થીઓના રૂમમાં ઘુસી ભારે તોડફોડ કરી હતી.
શું કહ્યું ભોગ બનનાર વિદ્યાર્થીઓએ?
અફઘાનિસ્તાનના મોહમ્મદ વારિસ નામના વિદ્યાર્થીઓએ કહ્યું કે હાલમાં રમજાન મહિનો ચાલે છે અને હોસ્ટેલ પરિસરમાં મસ્જિદ નથી એટલે અમે પરિસરમાં જ રાત્રિની નમાજ પઢતા હતા. એ સમયે જય શ્રીરામના નારા સાથે ધસી આવેલા ટોળાએ અમને માર મારી નમાઝ અટકાવી હતી. અમારા રૂમમાં ઘુસી લેપટોપ, એસી અને બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. નોમાન નામનો બીજો એક વિદેશી વિદ્યાર્થી ઘટના સમયે બહાર હતો. તેને ઘટનાની જાણ થતાં હોસ્ટેલ પહોંચ્યો ત્યારે દરવાજા બહાર 200 લોકોનું ટોળું ઉભું હતું. તેંના કહેવા મુજબ તેના રૂમમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે અમે છેલ્લા પાંચ વર્ષથી નમાઝ પડીએ છીએ પણ આવી ઘટના પહેલી વખત બની છે.અન્ય એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાં તેમની સલામતી ન હોવાથી તેમને અન્ય સલામત સ્થળે ખસેડવા માગણી કરી હતી.
તપાસ માટે નવ ટીમનું ગઠન, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મામલો હાથમાં લીધો
રાત્રે 10 50 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળતા ગણતરીની મિનિટોમાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક, ક્રાઈમ બ્રાન્ચના જેસીપી નીરજ બડબુજર, સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજયાન સહિતના અધિકારીઓ યુનિવર્સિટી ની હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા. પોલીસ કમિશનર મલિકે જણાવ્યું કે 20 થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હુમલો કરનાર એક વ્યક્તિ ઓળખાઈ ગઈ છે. આ બનાવની તપાસ માટે પોલીસની નવ ટીમ બનાવવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગૃહ મંત્રીએ અર્જન્ટ બેઠક બોલાવી
રવિવારે સવારે 9:30 વાગ્યે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની અર્જન્ટ બેઠક બોલાવી હતી. તેમણે આઈબીના વડા આર. બી. બ્રહ્મભટ્ટ, રાજ્યના ડીજીપી, અમદાવાદના પોલીસ કમિશનર સહિતના ટોચના અધિકારીઓ પાસેથીબ બનાવની વિગતો જાણી હતી અને તોફાની તત્વોને ઝડપી લેવા માટે આદેશ કર્યો હતો. દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન તથા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજ ગુપ્તાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હોસ્પિટલે પહોંચી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.
સોશિયલ મીડિયા પર ઘટનાના વિડીયો વાયરલ
જોતજોતામાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટનાના વિડીયો વાયરલ થવા લાગ્યા હતા. તેમાં ટોળા દ્વારા થતી ધમાલ, વાહનોમાં તોડફોડ, તેમજ માર મારતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. અસરૂદીન ઓવેસીએ ટ્વિટ કરી ઘટનાને વખોડી હતી અને મુસ્લિમ વિદ્યાર્થીઓની સલામતી અંગે સવાર ઉઠાવ્યા હતા.