ભારતમાં લોકોનો ભરોસો : સૌથી વધુ ડોકટરો ઉપર અને સૌથી ઓછો ટીવી એન્કર ઉપર !!
ભારતના શહેરી વિસ્તારમાં રહેતા લોકો સૌથી વધુ ભરોસો ડોકટરો ઉપર કરે છે જયારે સૌથી ઓછો ભરોસો ટીવી એન્કર ઉપર કરે છે. ઈપ્સોસ નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક તાજા સર્વેમાં આ રસપ્રદ વિગતો બહાર આવી છે.
આ સંસ્થાએ વિશ્વના ૩૨ દેશોમાં આ સર્વે કર્યો હતો અને પછી ટકાવારીનો ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો. ભારતમાં આ સર્વે માટે અલગ અલગ વર્ગના ૨૨૦૦ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઈપ્સોસ ઈન્ડિયાના સીઈઓ અમિત અદારકરે સર્વેના તારણો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “લોકોએ ભારતીયોએ ડોક્ટરો, સશસ્ત્ર દળોના જવાનો અને શિક્ષકોમાં સૌથી વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વ્યવસાયો અનુકરણીય નૈતિક ધોરણો ધરાવે છે રોગચાળા દરમિયાન, જ્યારે આખો દેશ લોક ડાઉનની પરિસ્થિતિમાં હતો, ત્યારે ડોકટરોએ દર્દીઓની સારવાર કરવાનું ચાલુ રાખ્યું, સશસ્ત્ર દળોના જવાનોએ આપણી સરહદોની રક્ષા કરવાનું ચાલુ રાખ્યું અને વિદ્યાર્થીઓ એક વર્ષ ગુમાવે નહીં તેની ખાતરી કરવા શિક્ષકો ઓનલાઈન વર્ગો લઈ રહ્યા હતા. આ વ્યવસાયો પારદર્શિતા અને પ્રતિબદ્ધતાનું મજબૂત સ્તર ધરાવે છે, નાગરિકોમાં વિશ્વાસ પ્રેરિત કરે છે.
અન્ય દેશોની વાત કરીએ તો કોલંબિયા (74%), ચિલી (73%), આર્જેન્ટિના (73%), રશિયા (70%), સ્પેન (70%), હંગેરી (70%)એ રાજકારણીઓમાં વધુ ભરોસો દેખાડ્યો હતો.
કોના ઉપર કેટલા ટકા ભરોસો
ડોકટરો-૫૭
સૈનિકો-શિક્ષકો ૫૬
વિજ્ઞાનીઓ ૫૪
ન્યાયાધીશ-૫૨
બેન્કર- ૫૦
સેવાભાવી કર્મચારી – ૪૭
ટેક્સી ચાલક- ૪૬
વકીલ-પત્રકાર- ૪૩
રાજકારણી-૩૧
મંત્રી-પોલીસ- ૨૮
ધર્મના અગ્રણીઓ – ૨૭
ટીવી એન્કર-૨૫