સરકાર જીએસટીમાં ટેક્સનો નવો સ્લેબ લાવી રહી છે: રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરીવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને કહ્યું છે કે, દેશમાં આમ આદમીને લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સરકાર જીએસટીમાં વધુ એક સ્લેબ નાખવા જઈ રહી છે. એક્સ પર પોસ્ટ લખીને એમણે એમ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલી આ લૂંટને અમે રોકવાનો પ્રયાસ કરશું.
રાહુલે એમ પણ લખ્યું છે કે, તૈયાર કપડાં પર ૧૨ ટકાને બદલે ૧૮ ટકા ટેક્સ નાખવાની તૈયારી થઈ રહી છે. રૂા.૧૫૦૦થી ઉપરની કિંમતના કપડાં પર આ રીતે વધુ ટેક્સ લઈને લૂંટ કરવાની કોશિષ થવાની છે. એમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર સમૃધ્ધોને અને પૂંજીપતિઓને છૂટ આપી રહી છે અને આમ આદમી પાસેથી લૂંટ કરી રહી છે. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે જ કપડાં મોંઘા કરવાની કોશિષ કેન્દ્ર સરકાર કરી રહી છે. રાહુલે એમ પણ કહ્યું કે, એક બાજું કોર્પોરેટ ટેક્સની સામે ઈન્કમટેક્સ સતત વધી રહ્યો છે અને બીજી બાજુ મોદી સરકાર ગબ્બરસિંઘ ટેક્સથી લોકો પાસેથી લૂંટ કરી રહી છે. અમે આ પગલાંનો વિરોધ કરશું.