જેટ પેચરથી ખાડા બૂરવાનો પ્રયોગ ફેઈલ !
અનેક રસ્તે ફરીથી ખાડા બૂરવા પડ્યા: દળી દળીને ઢાંકણીમાં માફક ચાલતું કામ
રાજકોટમાં અતિ ભારે વરસાદને કારણે લગભગ દરેક રસ્તા ઉપર મસમોટા ગાબડાં પડી ગયા હતા. આ ગાબડાંને ફટાફટ બૂરવા માટે મહાપાલિકા દ્વારા જેટ પેચર મશીનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. આ મશીનથી ખાડા બૂરવાને કારણે બીજી વખત ગાબડું નહીં પડે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ તેનાથી વિપરિત થવા પામ્યું છે. જેટ પેચરથી અનેક રસ્તા પર ફરીથી ખાડા પડી જતાં મશીનનો જ ઉપયોગ કરીને તેને બૂરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા વેસ્ટ ઝોન હેઠળના વિસ્તારો જેવા કે રૈયા રોડ, લીંબુડીવાડી, કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે, રાજનગર ચોક, સોજીત્રાનગર રોડના મુખ્ય રસ્તાઓ ઉપર જેટ પેચર મશીનથી ૧૭૩ ચોરસમીટર રસ્તો રિપેર કરવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું હતું. જો કે વાસ્તવિક્તા એ છે કે વરસાદે વિરામ લીધાં બાદ સ્વામિનારાયણ મંદિર પાસે ખાડા બૂરવામાં આવ્યા હતા પરંતુ થોડા જ દિવસમાં ફરી ખાડા પડી જતાં તેને બૂરવાનું શરૂ કરાયું હતું. આ રીતે મહાપાલિકા દ્વારા દળી દળીને ઢાંકણીમાં માફક કામ કરવામાં આવી રહ્યું છે.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે મહાપાલિકા દ્વારા લીંબુડીવાડી મેઈન રોડ પર ખાડા બૂરી દીધાનું જાહેર કરાયા બાદ `વોઈસ ઓફ ડે’ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતાં હજુ અનેક સ્થળે રોડ પર ગાબડાં હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ ઉપરાંત એરપોર્ટ રોડ ઉપર તંત્ર ખાડા બૂરવાનું જ ભૂલી ગયું હતું.