ચુંટણી પંચને સુપ્રીમ કોર્ટથી મળી રાહત
વીવીપેટ સ્લીપ અને ઇવીએમ મશીન અંગે સમીક્ષા કરવાની માંગ કરતી અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટમાંથી ચૂંટણી પંચને મંગળવારે મોટી રાહત મળી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ઇવીએમ મશીનો સાથે વીવીપેટ સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ‘અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા બાદ અમે માનીએ છીએ કે 26 એપ્રિલના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો કોઈ મામલો બનતો નથી.’
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલે, સુપ્રીમ કોર્ટે વીવીપેટ અને ઇવીએમ મશીનની સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી, જેને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
અરુણ કુમાર અગ્રવાલ દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમણે અગાઉ પણ આ મુદ્દે પીઆઈએલ દાખલ કરી હતી. અરુણ કુમાર અગ્રવાલે તેમની સમીક્ષા અરજીમાં દલીલ કરી હતી કે 26 એપ્રિલના નિર્ણયમાં ભૂલો હતી. આ ઉપરાંત કહેવામાં આવ્યું હતું કે કાઉન્ટિંગ હોલની હાલની સીસીટીવી દેખરેખ એ સુનિશ્ચિત કરશે કે વીવીપેટ સ્લિપની ગણતરીમાં કોઈ અનિયમિતતા નથી.