૧૨૦ની સ્પીડે કાર ચલાવતા ડ્રાઈવરને ઝોકુ આવ્યુ અને ૭નો ભોગ લેવાયો
હિંમતનગર પાસે કાર અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત : શામળાજીથી અમદાવાદના જઈ રહેલા 7 લોકોના કરુણ મોત
સાબરકાંઠાના હિંમતનગર પાસે બનેલી એક ગમખ્વાર દુર્ઘટનામાં ૭ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. ટ્રેલર પાછળ કાર ઘડાકાભેર અથડાતા આ દુર્ઘટના બની હતી. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા. એક્સિડેન્ટ બાદ કાર ચગદાઈ જતાં કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
કાર ચાલકને ઊંઘ આવતી હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. હાલ પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે. અનુમાન છે કે અકસ્માત સમયે ઝડપ 120 કિમી પ્રતિ કલાકથી વધુ હશે.
મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે હિંમતનગર હાઇવે પર કાર એક્સિડન્ટ થયો હતો. તમામ મૃતકો અમદાવાદના છે.આ મૃતકોમાં (1) ચિરાગ રવિભાઈ ધનવાની,(2) રોહિત સુરેશભાઈ રામચંદાણી, (3) સાગર નરેશકુમાર ઉદાણી,(4) ગોવિંદ લાલચંદભાઈ રામરાણી,(5) રાહુલ પ્રહલાદભાઈ મુલચંદાણી,(6) રોહિત અને (7) ભરતભાઈનો સમાવેશ થાય છે.
માહિતી મુજબ હિંમતનગરમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે સહકારી જીન પાસે ટ્રેલર પાછળ એક ઇનોવા કાર ધડાકાભેર અથડાઇ હતી. ટ્રેલર સાથે અથડાયા બાદ કાર ટામેટાની જેમ ચગદાઇ ગઇ હતી. કારની અંદર બેઠેલા લોકોના મતૃદેહો પણ દબાઇ ગયા હતા. એક્સિડેન્ટની જાણ થતા પોલીસ વિભાગ અને ફાયર વિભાગનો સ્ટફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.