જગન્નાથ મંદિરમાં 48 વર્ષ બાદ રત્ન ભંડારના કપાટ ખૂલ્યા: કેટલાં રત્નો અને સોના-ચાંદી છે? 1 મહિના સુધી ગણતરી થશે
લાખ્ખો લોકોની આસ્થાના પ્રતીક અને ઐતિહાસિક એવા ઓરિસ્સાનાં પૂરી સ્થિત ભગવાન જગન્નાથ મંદિર પાસે કેટલા રત્નો અને સોના-ચાંદી છે તેની ગણતરી શરુ થઇ છે. મંદિરના રત્ન ભંડાર માં રહેલા કિંમતી આભૂષણો અને રત્નોની યાદી તૈયાર કરવાનું કાર્ય બુધવારે બપોરે 12:09 કલાકે શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવ્યું છે. 1978 પછી, એટલે કે પૂરા 48 વર્ષ બાદ આ કિંમતી ખજાનાની સત્તાવાર ગણતરી કરવામાં આવી રહી છે. આ ગણતરી કરતા એક મહિના જેટલો સમય પસાર થશે તેવું જાણવા મળ્યુ છે.

મંદિર પ્રશાસન દ્વારા નિર્ધારિત કરાયેલા સમય મુજબ બપોરે 12:09 થી 1:45 ની વચ્ચે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગણતરીમાં સામેલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પરંપરાગત વેશભૂષા એટલે કે ધોતી અને ગમછા પહેરીને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન મંદિરની દૈનિક પૂજા વિધિમાં કોઈ ખલેલ ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે બહારની બાજુ બેરીકેડ લગાવી દર્શન કરવાની છુટ હતી. તો અંદરના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની મંજૂરી બાદ તૈયાર કરવામાં આવેલી ખાસ SOP મુજબ આ ઇન્વેન્ટરી હાથ ધરાઈ રહી છે. સૌથી પહેલા રોજિંદી પૂજામાં વપરાતા દાગીનાની ગણતરી થશે, ત્યારબાદ રત્ન ભંડારના બહારના અને અંદરના ખંડ ખોલવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ વખતે ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે ડિજિટલ ફોટોગ્રાફી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોનાના આભૂષણોને પીળા, ચાંદીને સફેદ અને અન્ય વસ્તુઓને લાલ કપડામાં વીંટાળીને ખાસ તૈયાર કરેલા છ સંદૂકોમાં રાખવામાં આવશે.આ વિશાળ કાર્યમાં માત્ર મંદિરના કર્મીઓ જ નહીં, પરંતુ ભારતીય રિઝર્વ બેંક ના પ્રતિનિધિઓ, સરકારી બેંકના અધિકારીઓ અને બે રત્ન નિષ્ણાતો પણ સામેલ છે.
1978માં ગણતરી વખતે 128 કિલો સોનુ અને 221 કિલો ચાંદી હતી
1978માં બનેલી છેલ્લી ઇન્વેન્ટરી અનુસાર, ભર ભંડાર (બાહ્ય ખંડ) અને ભર ભંડાર (આંતરિક ખંડ)નો સમાવેશ કરેલો રત્ન ભંડાર, કુલ 454 સોનાની વસ્તુઓ ધરાવે છે જેનું ચોખ્ખું વજન 12,838 ભારે (128.38 કિગ્રા) છે અને 293 ચાંદીની વસ્તુઓ 22,153 હેવ્સ (221.53 કિગ્રા) છે.તે વખતે ગણતરી કરતા 72 દિવસ લાગ્યા હતા પરંતુ આ વખતે આધુનિક ટેકનોલોજીને લીધે ૩૦ દિવસમાં ગણતરી થઇ જશે એવી ધારણા રાખવામાં આવી છે.
