આમ આદમી પાર્ટી છોડ્યાના બીજા જ દિવસે ગેહલોતે ભગવો ધારણ કરી લીધો
દિલ્હીના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોત રવિવારે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ સોમવારે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર તથા હર્ષ મલ્હોત્રાએ તેમને આવકાર્યા હતા. ગેહલોતના ભાજપ આગમનને મનોહરલાલ ખટરે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાનો સૌથી મહત્વનો ટર્નિંગ પોઈન્ટ તરીકે મૂલવી હતી. ગહેલોતે દિલ્હીની આપ સરકાર યમુના શુદ્ધિકરણ સહિતના અનેક વચનો પુરા ન કરી શકીએ હોવાનો અને પ્રજાની અપેક્ષા સંતોષવામાં નિષ્ફળ ગયઇ હોવાનો આક્ષેપ કર્યો હતો
ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે હું અન્ના હઝારેના સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો. એ પાર્ટી છોડવાનો નિર્ણય આસાન નહોતો. તેમણે કહ્યું કે મેં ખૂબ વિચાર કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. ઇન્કમટેક્સ અને ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓના દબાણને વશ થઈ અને તેમણે પક્ષ પલટો કર્યો હોવાના આમ આદમી પાર્ટીના નેતાઓના આક્ષેપને ઈરાદાપૂર્વકનો અપપ્રચાર ગણાવી તેમણે કહ્યું કે મારી જિંદગીમાં હું ક્યારેય કોઈ દબાણ સામે ઝુક્યો નથી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સભ્ય સતીશ સિંઘ તથા સિનિયર નેતા દુર્ગેશ પાઠકે કેન્દ્રીય એજન્સીઓના દબાણ સામે ગેહલોત ઝૂકી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે આ ઘટનાને જાજું મહત્વ ન આપી ગેહલોત તેમને ઈચ્છા પડે તે પક્ષમાં જોડાઈ શકે છે તેવું નિવેદન આપ્યું હતું.