રાજકોટના રેસકોર્સના ગરબા ગ્રાઉન્ડનું રોજનું ભાડું રૂ. 2,43,677/- અને નાના મવા પાસેના ગ્રાઉન્ડનું રોજનું ભાડું રૂ.24,622/-!!
એકને ગોળ, એકને ખોળ'ની આ તે કેવી નીતિ ?
મહાપાલિકા દ્વારા ૯૦% ઓછા ભાવે ભાડે અપાય છે સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ ઉપરનું ૧૩૦૦૦ ચો.મી.નું વિશાળ ગ્રાઉન્ડ
હરેશ કાનાણી નામની વ્યક્તિએ ગત વર્ષે માત્ર રૂા.૧,૦૮,૫૨૬ તો આ વર્ષે ૨,૨૧,૯૫૮ રૂપિયામાં ૯ દિવસ ગ્રાઉન્ડ ભાડે રાખ્યું
સૌથી મોટો સવાલ: શા માટે આ ગ્રાઉન્ડને અન્ય મેદાનની માફક હરાજીમાં મુકીને
કમાણી’ નથી કરાતી ? શું તંત્રને તીજોરીમાં વધુ પૈસા જમા થાય તેમાં રસ નથી કે પછી કોઈનું દબાણ' ?
રાજકોટ મહાપાલિકા દ્વારા
એકને ગોળ, એકને ખોળ’ની નીતિ અત્યાર સુધીમાં અનેક વખત અખત્યાર કરવામાં આવી છે. જાણીજોઈને તિજોરીને કેવી રીતે નુકસાન પહોંચાડવું તે શીખવું (આમ તો કોઈ જ આવું શીખવા ઈચ્છુક ન જ હોય) હોય તો મહાપાલિકા પાસેથી જ બરાબર શીખી શકાશે ! નવરાત્રિને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી છે ત્યારે તેમાં મન ભરીને ઝૂમી લેવા ખેલૈયાઓ તો કમાણી' કરવા માટે અર્વાચીન રાસોત્સવના આયોજકો તૈયારીમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે મહાપાલિકાએ જાણીજોઈને અથવા તો આંખ બંધ કરીને મોટી ભૂલ કરી હોય તેવું
વોઈસ ઓફ ડે’ની તપાસમાં બહાર આવ્યું છે. તાજેતરમાં તંત્ર દ્વારા રેસકોર્સ સહિત પાંચ ગ્રાઉન્ડની અર્વાચીન રાસોત્સવ માટે હરાજી કરીને `લાખેણી’ કમાણી કરવામાં આવી છે પરંતુ અત્યંત પોશ વિસ્તાર એવા નાનામવા રોડ પર સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ પાસેનું એક ગ્રાઉન્ડ સાવ પાણીના ભાવે ભાડે આપી દીધાનો ઘટસ્ફોટ થયો છે.
તંત્ર દ્વારા અર્વાચીન રાસોત્સવ માટે પાંચ ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યા હતા જેમાં રેસકોર્સ-એ કે જેના પ્લોટનું ક્ષેત્રફળ ૧૨૮૦૦ ચોરસમીટર છે તેની ટેન્ડર થકી હરાજી કરીને પ્રતિ ચો.મી. દીઠ રૂા.૧૧ વસૂલી ૨૧,૯૩,૧૦૧ રૂપિયામાં ભાડે આપવામાં આવ્યું હતું. આ ગ્રાઉન્ડ ભાડે મેળવવા માટેની અપસેટ પ્રાઈસ ૬ રૂપિયા હતી પરંતુ હરાજીમાં મુકાતાં તંત્રને પ્રતિ ચો.મી.દીઠ વધુ પાંચ રૂપિયા આવક થવા પામી છે. આ રીતે જોવા જઈએ તો રેસકોર્સ-એનું ગ્રાઉન્ડ પ્રતિ દિવસ ૨,૪૩,૬૭૭ રૂપિયા લેખે ભાડે આપવામાં આવ્યું છે.
હવે તંત્રએ દાખવેલી ઉદારનીતિ પર પ્રકાશ પાડીયે તો સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ, આલાપ હેરિટેજની બાજુમાં મહાપાલિકાનો આવાસ યોજના હેતુનો એક પ્લોટ આવેલો છે જેનું કુલ ક્ષેત્રફળ ૧૩૦૦૦ ચોરસમીટર જેટલું છે મતલબ કે રેસકોર્સ-એ ગ્રાઉન્ડ કરતા પણ આ ગ્રાઉન્ડનું ક્ષેત્રફળ ૨૦૦ ચો.મી. વધુ છે પરંતુ આ ગ્રાઉન્ડની હરાજી કર્યા વગર જ મહાપાલિકા દ્વારા હરેશ કાનાણી નામની વ્યક્તિને માત્ર ૨,૨૧,૯૫૮ રૂપિયાના ભાડે આપી દેવામાં આવ્યું છે. આ રીતે જોવા જઈએ તો હરેશ કાનાણીને પ્રતિ દિવસ ૨૪૬૬૨ રૂપિયાના ભાડે આ ગ્રાઉન્ડ મળી ગયું છે. જ્યારે હરેશ કાનાણીએ ગત વર્ષે મતલબ કે ૨૦૨૩માં આ ગ્રાઉન્ડ માત્ર ૧,૦૮,૫૨૬ રૂપિયામાં ૯ દિવસ સુધી ભાડે રાખ્યું હતું જેમાં આ વખતે ૧,૧૩,૪૩૨ રૂપિયાનો જ વધારો થયો છે.
અહીં યુનિટ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા નવદુર્ગા ગરબી અને અર્વાચીન દાંડિયાનું આયોજન કરવામાં આવશે અને તેના પાસનો ભાવ પણ જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે પ્રશ્ન જ એ ઉપસ્થિત થાય છે કે શા માટે અન્ય પાંચ ગ્રાઉન્ડની માફક આ ગ્રાઉન્ડને પણ તંત્ર દ્વારા હરાજીમાં મુકવામાં આવી રહ્યું નથી ? શું વધુ આવક થાય તેમાં તંત્રને રસ નહીં હોય કે પછી કોઈનું દબાણ અથવા ભલામણ કામ કરી જતા હશે ?
બીજા માટે પ્રતિ ચો.મી.૬.૫૦, યુનિટી ફાઉન્ડેશનને ૧.૯૦માં જ !
મહાપાલિકા દ્વારા કેવી બેધારી નીતિ રાખવામાં આવી રહી છે તેનો તાદ્દશ નમૂનો પણ `વોઈસ ઓફ ડે’ની તપાસમાં જાણવા મળ્યો છે. કોઈ સામાન્ય વ્યક્તિ કે સંસ્થાને આ ગ્રાઉન્ડ ભાડે જોઈતું હોય તો પ્રતિ ચોરસમીટર ૬.૫૦ રૂપિયાના ભાવે અપાય છે જેમાં સફાઈ ચાર્જ તેમજ જીએસટી સામેલ હોય છે. બીજી બાજુ યુનિટ ફાઉન્ડેશનને આ જ ગ્રાઉન્ડ નિયમો નેવે મુકીને પ્રતિ ચો.મી. ૧ રૂપિયો અને ૯૦ પૈસામાં ભાડે આપવામાં આવ્યું છે. આ રીતે તંત્ર ૪ રૂપિયા અને ૬૦ પૈસાની પ્રતિ ચો.મી.ખોટ શા માટે ખાઈ રહ્યું હશે તે તો આયોજકો અને તંત્રવાહકો જ જાણતા હોવા જોઈએ. વળી, પાછલા વર્ષે તો ૧ રૂપિયો અને ૯૦ પૈસા કરતા પણ ઓછા ભાવે પ્રતિ ચો.મી.ગ્રાઉન્ડ મેળવી લેવાયું હતું.
અન્ય પાંચ ગ્રાઉન્ડ પ્રતિ દિવસ કેટલા રૂપિયાના ભાડે ગયા ?
ગ્રાઉન્ડ પ્લોટનું ક્ષેત્રફળ (ચો.મી.) પ્રતિ દિવસ ચાર્જ
રેસકોર્સ મેદાન ભાગ-એ ૧૨૮૦૦ ચો.મી. ૨,૪૩,૬૭૭
રેસકોર્સ મેદાન ભાગ-બી ૧૨૭૨૩ ચો.મી. ૧,૩૨,૧૧૫
નાનામવા સર્કલ ૯૪૩૮ ચો.મી. ૧,૭૩,૧૬૮
સાધુ વાસવાણી રોડ ૫૩૮૮ ચો.મી. ૫૬૪૧૫
અમીન માર્ગ કોર્નર ૪૬૬૯ ૫૧૩૫૯
આ રાસોત્સવમાં ૩૦૦થી લઈ ૧૦૦૦ રૂપિયા સુધી પાસનો ભાવ
`વોઈસ ઓફ ડે’ દ્વારા યુનિટી ફાઉન્ડેશન અર્વાચીન રાસોત્સવના ભાવ જાણવામાં આવતાં અહીં જેન્ટસના ૫૦૦, લેડીઝના ૫૦૦, કપલ્સના ૧૦૦૦ અને ૧૨ વર્ષથી મોટા બાળકના ૩૦૦ રૂપિયા ભાવ હોવાનું જાણવા મળ્યું હતું. અહીં વિશાળ ગ્રાઉન્ડ હોવાથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ પાસ કઢાવતાં હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે.
પ્લોટ કોઈ પણ હેતુનો હોય, શા માટે ભાડે આપવા પૂરતો હેતુફેર ન કરી શકાય ?
ઉપરોક્ત પ્લોટ કે જે પાણીના ભાવે ભાડે આપવામાં આવ્યો છે તે પ્લોટ કોઈના મતે ગાર્ડન હેતુનો તો કોઈના મતે આવાસ યોજના હેતુનો હોવાનું જાણવા મળ્યું છે. જો કે મહત્ત્વનો સવાલ જ એ છે કે પ્લોટ કોઈ પણ હેતુનો હોય શા માટે ભાડે આપવા દરમિયાન તેનો હેતુફેર કરીને હરાજીમાં મુકવામાં આવતો નથી ?