દેશનું અર્થતંત્ર દોડ્યુ : ત્રીજા ક્વાર્ટરમાં GDPગ્રોથ 6.2 ટકા રહ્યો
- NSOએ વર્ષ 2024-25 માટે વિકાસ દર 6.5% રહેવાનો અંદાજ મૂક્યો
ભારતના ઓક્ટોબર ડિસેમ્બર 2025 ત્રિમાસિક ગાળાના આર્થિક વિકાસદરના આંકડા જાહેર થયા છે. નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) માં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 6.2% થયો છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ 9.5% હતો. આ ઘટાડો મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ અને ખાણકામ ક્ષેત્રોની નબળી કામગીરીને કારણે જોવા મળ્યો છે. જો કે, સરકારને અપેક્ષા છે કે સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 માટે GDP ગ્રોથ 6.5% રહેશે.
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.2% નોંધાયો છે, જે બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ના 5.6% કરતા વધુ છે. જોકે, આ ભારતીય રિઝર્વ બેંકના 6.8% ના અંદાજ કરતા ઓછું હતું. વર્તમાન ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિની ગતિ અપેક્ષા કરતા ધીમી હતી, જેના કારણે બજારના પ્રદર્શન અને ગ્રાહક માંગ પર પણ અસર પડી.
પોતાના બીજા અગ્રિમ અંદાજમાં NSO એ વર્ષ 2024-25 માટે વિકાસ દર 6.5% રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ, જાન્યુઆરી 2025 માં જાહેર કરાયેલા પ્રથમ અંદાજમાં, તે 6.4% રહેવાનો અંદાજ હતો. આ ઉપરાંત, વર્ષ 2023-24 માટે GDP દર સુધારીને 9.2% કરવામાં આવ્યો છે, જે અગાઉ 8.2 ટકા હતો.
સરકારી આંકડા અનુસાર, એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન ભારતની રાજકોષીય ખાધ 11.7 લાખ કરોડ રૂપિયા રહી હતી, જે ચાલુ નાણાંકીય વર્ષના સંપૂર્ણ લક્ષ્યાંકના 74.5% છે. આ સમયગાળા દરમિયાન કુલ કર વસૂલાત રૂ. ૧૯.૦૪ લાખ કરોડ રહી, જે વાર્ષિક લક્ષ્યના 74.4% છે.
આ મહિને રજૂ કરાયેલા બજેટમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ઘટાડીને 4.8% કર્યો છે અને 2025-26 માં તેને 4.4% સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર 2026-27 થી GDP-દેવું ગુણોત્તરને મુખ્ય નાણાકીય માપદંડ બનાવવાની યોજના ધરાવે છે, અને 2031 સુધીમાં તેને 50% સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખે છે.