મનમોહન સિંહના નિધનથી દેશ શોકમાં ગરકાવ : આજે સવારે 11 વાગ્યે અંતિમ યાત્રા ; સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
- કોંગ્રેસના તમામ કાર્યક્રમો સાત દિવસ સુધી રદ: રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ આપી ભવ્ય શ્રદ્ધાંજલિ
ભારતના આર્થિક સુધારણાના પ્રણેતા અને સતત બે ટર્મ સુધી દેશનું સુકાન સંભાળનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 92 વર્ષના મનમોહન સિંહ છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતા. ગુરુવારે રાત્રે તેઓ તેમના નિવાસસ્થાને બેભાન બની ગયા હતા. ત્યાં ઇમરજન્સી સારવાર આપ્યા બાદ રાત્રે 8: 06 વાગ્યે તેમને એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતા.
તબીબોના શ્રેષ્ઠ પ્રયત્ન છતાં રાત્રે 9 51 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પોતાની પાછળ પત્ની ગુરુશરણ સિંહ,ત્રણ પુત્રીઓ તથા કરોડો દેશવાસીઓને વિલાપ કરતા છોડી ગયા છે.સદગતની અંતિમ યાત્રા આજે શનિવારે સવારે 11 વાગ્યે નીકળશે અને શક્તિ સ્થળ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
ભારતના આ મહાન સપૂતના સન્માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન સહિત દેશની તમામ સરકારી ઇમારતો અને કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. સદગતના માનમાં શુક્રવારે તમામ રાજકીય કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે પણ તેની વર્કિંગ કમિટીની બેઠક સહિત તમામ કાર્યક્રમો સાત દિવસ સુધી રદ કર્યા હતા. શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ પ્રધાનઅમિત શાહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ વડાપ્રધાનના નિવાસ્થાને જઈ અંતિમ દર્શન કર્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
મનમોહન સિંહે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહરાવની સરકારમાં નાણામંત્રી તરીકે ફરજો બજાવી હતી. 1991 માં થયેલા આર્થિક સુધારણાના તેઓ પ્રણેતા હતા. નાદાર થવાની કગાર પર આવી ગયેલા દેશને તેમણે તેમની આર્થિક સૂઝ, વહીવટી કાબેલિયત અને
ક્રાંતિકારી આર્થિક સુધારણા દ્વારા ગંભીર સંકટમાંથી ઉગારી લીધો હતો. ઉદારીકરણ દ્વારા તેમણે વૈશ્વિક અર્થતંત્રમાં ભારતને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું હતું.અને સમૃદ્ધિ માટેની કેડી કંડારી હતી.તેમના મૃત્યુના સમાચાર મળ્યા બાદ દેશ-વિદેશના નેતાઓએ તેમને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી હતી. મોડી રાત્રે તેમના મૃતદેહને તેમના નિવાસ્થાને લઈ જવામાં આવ્યો હતો.
સંપૂર્ણ રાજદ્વારા સન્માન સાથે અંતિમવિધિ થશે
સદગત વડાપ્રધાનના પાર્થિવ દેહને કોંગ્રેસના મુખ્ય કાર્યાલયે જાહેર દર્શનાથે લઈ જવાશે.દિવંગત વડાપ્રધાનના દેહને રાષ્ટ્રધ્વજમાં વીંટાળવામાં આવશે. તેમને 21 ઘરની સેલ્યુટ અપાશે. અંતિમ યાત્રામાં મીલીટરી બેન્ડ તેમજ સેનાના જવાનો સામેલ થશે.બાદમાં સંપૂર્ણ રાજદ્વારી સન્માન સાથે તેમની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવશે.
દેશની આર્થિક નીતિ પર મનમોહન સિંહની અમીટ છાપ: વડાપ્રધાન મોદીએ આપી ભવ્ય અંજલિ

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત વડાપ્રધાનના નિવાસસ્થાને જઈને અંતિમ દર્શન કર્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.એ પહેલા તેમણે મનમોહન સિંહ સાથેના સંભારણા વર્ણવ્યા હતા.તેમને અંજલિ આપતા વડાપ્રધાને કહ્યું, “ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડો. મનમોહન સિંહ જીની ખોટ પર શોક વ્યક્ત કરે છે. નમ્ર મૂળમાંથી ઉભરીને, તેઓ એક આદરણીય અર્થશાસ્ત્રી બન્યા. તેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દાઓ પર પણ સેવા આપી હતી, તેમણે વર્ષોથી અમારી આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી.
સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ સમજદાર હતો. અમારા વડા પ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા,” વડાપ્રધાને ઉમેર્યું,” ડૉ.મનમોહન સિંઘ જી જ્યારે પીએમ હતા અને હું ગુજરાતનો સીએમ હતો ત્યારે નિયમિત રીતે વાતચીત કરતા હતા. અમે ગવર્નન્સ સંબંધિત વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરતા હતા.તેઓ શાણપણ અને નમ્રતાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. દુઃખની આ ઘડીમાં મારા વિચારો ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ”.
બાદમાં એક વિડીયો સંદેશામાં વડાપ્રધાને કહ્યું કે મનમોહન સિંહે નાણાકીય સંકેતમાં ઘેરાયેલા દેશમાં નવી
અર્થવ્યવસ્થા માટે માર્ગ મોકળો કર્યો. તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. લોકો અને દેશના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને હંમેશા સન્માનની જે નજરે જોવામાં આવશે. તેમનું જીવન તેમની પ્રમાણિકતા અને સાતગીનું પ્રતિબિંબ હતું તેમની નમ્રતા તેમની સંસદીય જીવનની ઓળખ બની ગઈ હતી.
દેશને અપૂર્ણ ક્ષતિ : રાષ્ટ્રપતિ એ આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વડાપ્રધાનને સાદગી અને સરળતાની મૂર્તિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જાહેર અને વહીવટી ક્ષેત્રે તેમણે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતની અર્થવસ્થામાં સુધારો કરવા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મનમોહન સિંહના નિષ્કલંક રાજકીય જીવનને બિરદાવી તેમણે કહ્યું કે ભારત માતાના મહાન સપૂતની વિદાયથી દેશને અપૂર્ણ ક્ષતિ પહોંચી છે.