મકાન પચાવી પાડવા રચાયેલું ‘ષડયંત્ર’ઊંધુ પડ્યું! કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર શખ્સ સામે રાજકોટ પોલીસે જ નોંધ્યો ગુનો
રાજકોટ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં આવેલું એક મકાન પચાવી પાડવા માટે રચવામાં આવેલું શખસનું કાવતરું નિષ્ફળ ગયું છે. દેવા ટોળીયા નામના શખ્સે અન્યના નામે નોંધાયેલા મકાનને પોતાનું દર્શાવવા માટે વીજ બિલ, વેરા પહોંચ અને સોસાયટીના કાગળોમાં ગંભીર છેડછાડ કરી કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. જોકે, તપાસ દરમિયાન તમામ દસ્તાવેજો નકલી હોવાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ કેસની હકિકત મુજબ,આરોપી દેવા મચ્છાભાઈ ટોળીયાએ રાજકોટ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. આ અરજીની તપાસ પશ્ચિમ એસીપી કચેરીના મદદનીશ પોલીસ કમિશનરના રાઈટર બ્રિજરાજિંસહ ઝાલાને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અરજદાર દેવા અને સામે પક્ષે તેજસભાઈ જાટીયાએ પુરાવા તરીકે એપ્રિલ-મે 2023ના લાઈટ બિલ રજૂ કર્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે બંનેના બિલમાં ગ્રાહક નંબર એક જ હતો, પરંતુ નામો અલગ-અલગ હતા.
પોલીસે આ શંકાસ્પદ બિલની પીજીવીસીએલ પાસે ખરાઈ કરાવતા જાણવા મળ્યું કે, વીજ જોડાણ ખરેખર તેજસભાઈના નામે છે અને દેવા ટોળીયાએ ઓનલાઈન બિલમાં એડિટિંગ કરીને પોતાનું નામ ઘુસાડી દીધું હતું. એટલું જ નહીં, આરોપીએ બિલ પર પીજીવીસીએલના સિક્કા પણ ખોટી રીતે મારેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અન્યના મકાનને પોતાનું બતાવી વેરા આકારણી કરાવી હતું.
તપાસમાં બહાર આવ્યું કે, દેવા ટોળીયાએ વસ્તાભાઈ ડુંગા નામના વ્યક્તિનું મકાન વેરા વસુલાત અધિકારીને બતાવીને વેરા પહોંચ મેળવી લીધી હતી. આ માટે તેણે રાજ રાજેશ્વરી પાર્ક સોસાયટીના નકલી શેર સર્ટિફિકેટ અને પ્રોપર્ટીના અન્ય બનાવટી કાગળો ઊભા કર્યા હતા. અન્યની મિલકતને પોતાની સાબિત કરવા માટે આરોપીએ સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા તમામ હદો વટાવી હતી.
એસીપીની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડ્યું કે આરોપીએ લેન્ડ ગ્રેબિંગના કાયદાનો દુરુપયોગ કરી મકાન પડાવી લેવા માટે આખું ષડયંત્ર રચ્યું હતું. આ મામલે એસીપી કચેરીના હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજિંસહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે. ગાંધીગ્રામ પોલીસે આરોપી દેવા મચ્છા ટોળીયા વિરુદ્ધ સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
