ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. CM મોહન યાદવના કાફલાની 19 ગાડીઓ એકાએક ખરાબ થઈ જતાં હડકંપ મચી જવા પામ્યો હતો. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના કાફલામાં સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. મુખ્યમંત્રી પ્રાદેશિક ઉદ્યોગ, કૌશલ્ય અને રોજગાર સંમેલન (RISE) માં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેમના કાફલામાં રહેલી 19 ગાડીઓ અચાનક એક પછી એક બંધ થઈ ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે વાહનોમાં પાણી અને ડીઝલ ભરેલું હતું. વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને સંબંધિત પેટ્રોલ પંપને સીલ કરી દીધો હતો.

શું છે સમગ્ર મામલો ?
શુક્રવારે રતલામમાં એક પ્રાદેશિક સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ભાગ લેવાના હતા. ત્યારે તેમના કાફલાની ગાડીઓ એક પછી એક બંધ થઈ જતાં કોઈ ગડબડ હોવાનું લાગ્યું. મુખ્યમંત્રીના કાફલા માટે ઇન્દોરથી લગભગ 19 ઇનોવા કાર મંગાવવામાં આવી હતી. ગુરુવારે રાત્રે પેટ્રોલ પંપ પરથી આ કારોમાં ડીઝલ ભર્યા બાદ, એક પછી એક થોડી દૂર ગયા પછી બંધ થઈ ગઈ. આ પછી, વહીવટીતંત્રે પેટ્રોલ પંપને સીલ કરી દીધો. ઇન્દોરથી અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી.

ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની
આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની. ધોસી ગામમાં સ્થિત ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ પેટ્રોલ પંપ પર ઘટનાની માહિતી મળ્યા બાદ, ભારત પેટ્રોલિયમના પ્રાદેશિક અધિકારી પણ ત્યાં પહોંચ્યા.
આ પણ વાંચો : ટેસ્ટ ફોર્મેટમાં પણ ‘સ્લો ઓવરરેટ’ પર લાગશે 5 રનની પેનલ્ટી : બોલ બદલાવવો પડે એટલે જાણી જોઈને થૂંક લગાવનારા પણ દંડાશે
નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાય, ખાદ્ય અને પુરવઠા અધિકારી આનંદ ગોર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. વાહનોની ડીઝલ ટાંકી ખોલવામાં આવી. જાણવા મળ્યું કે વાહનમાં 20 લિટર ડીઝલ ભરેલું હતું, જેમાંથી 10 લિટર પાણી બહાર આવ્યું. આ પરિસ્થિતિ તમામ વાહનોમાં જોવા મળી.
આ સમય દરમિયાન, એક ટ્રકમાં પણ લગભગ 200 લિટર ડીઝલ ભરાયું હતું, જે થોડા સમય માટે ચાલ્યા પછી બંધ થઈ ગયું. ત્યારબાદ અધિકારીઓએ ભારત પેટ્રોલિયમના પ્રાદેશિક મેનેજર શ્રીધરને ફોન કર્યો. આ મામલે કર્યાવાહી પણ કરવામાં આવી છે અને પેટ્રોલ પંપને સીલ કરી દેવામાં આવ્યો છે.