જાતિગત વસ્તી ગણતરી દેશમાં એક્સ રેનું કામ કરશે : રાહુલ ગાંધી
તેલંગણાના પ્રવાસ દરમિયાન જાહેર સભા સંબોધી, કેસીઆર પર કર્યા પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આજે તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણાના ભૂપાલપલ્લીથી પન્નૂર ગામ સુધી કોંગ્રસની એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધિત કરતા રાહુલે બીજેપી, બીઆરએસ અને એઆઈએમાઈએમ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, કેસીઆર ચૂંટણીમાં હારી જશે. આ લડાઈ રાજા અને પ્રજા વચ્ચેની છે. તમે ઈચ્છતા હતા કે, તેલંગાણામાં જનતાનું રાજ આવે પરંતુ અહીં માત્ર એક પરિવારનું રાજ બની ગયુ છે. એમણે કહ્યું હતું કે જાતિગત વસ્તી ગણતરી દેશમાં એકસરેનું કામ કરશે.
રાહુલે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, તેલંગાણામાં માત્ર એક પરિવારનું રાજ છે. સીએમનો જનતા સાથે કોઈ મતલબ નથી. દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર તેલંગાણામાં જ છે. તેમણે કહ્યું કે, બીજેપી, બીઆરએસ અને એઆઈએમાઈએમ ત્રણેય મળેલા છે. તેલંગાણાના મુખ્યમંત્રી પાછળ સીબીઆઇ કે ઈડી કેમ નથી આવતી. દેશમાં હાલમાં ઈડી ને લઈને ખૂબ જ રાજકારણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોનું કહેવું છે કે, ઈડી ને જાણી જોઈને વિપક્ષી નેતાઓ પાછળ લગાવવામાં આવી રહી છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, જાતિગત વસતી ગણતરી દેશ માટે એક્સ-રેનું કામ કરશે. જ્યારે હું જાતિગત વસતી ગણતરીની વાત કરું છું ત્યારે ન તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી કંઈ બોલે છે અને ન તો તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર કંઈ બોલે છે. તાજેતરમાં બિહારમાં જાતિગત વસતી ગણતરીનો અહેવાલ બહાર આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, રાજ્યની વસતીમાં ઓબીસીનો હિસ્સો 60 ટકાથી વધુ છે. આ જ કારણ છે કે રાહુલે હવે દેશવ્યાપી જાતિગત વસતી ગણતરી કરાવવાની વાત કરી છે. તેઓ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો છે.
રેલીને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે દેશમાં સૌથી મોટો મુદ્દો જાતિગત વસતી ગણતરીનો છે. જાતિગત વસતી ગણતરીથી એ વાતની માહિતી સામે આવશે કે, દેશમાં કેટલા દલિત, ઓબીસી, આદિવાસીઓ અને સામાન્ય વર્ગના લોકો છે અને તેમની કેટલી ભાગીદારી છે. તેમણે કહ્યું કે, આ દેશના એક્સ-રે જેવું છે અને તેનાથી એ પણ જાણી શકાશે કે દેશની સંપત્તિ કેવી રીતે વહેંચાઈ રહી છે.