સૌથી મોટો સવાલ…કાયદો ગમે તેટલો કડક કરો પરંતુ સ્ત્રી સંપૂર્ણ સુરક્ષિત હોય જગતમાં એવો કોઈ ખૂણો ખરો ?
જાહેર માન્યતા પ્રમાણે જો સૌથી જૂનો વ્યવસાય વેશ્યાવૃત્તિનો હોય તો સૌથી પહેલો ગુનો પણ બળાત્કારનો હોવો જોઈએ. મનુષ્યની અંદર રહેલી આ સહજ વિકૃતિ છે. જેના દામ લાગે એને મફતમાં ઝડપી લેવાની વૃત્તિ. એ વૃત્તિને દુર્બુદ્ધિનું બળ મળે એટલે ગુનો બને. માણસ વાંદરામાંથી મનુષ્ય બન્યો પણ બળાત્કારનો ગુનો ન બદલાયો. બળાત્કારની ઘટના વાંદરા પ્રજાતિમાં પણ જોવા મળે છે. બળાત્કારની વૃત્તિ માણસના લોહીમાં પરાપૂર્વથી વહે છે. પેઢી દર પેઢી આનુવંશિક દુર્ગુણરૂપે બળાત્કાર પ્રસરતો રહ્યો છે. મનુષ્યસમાજ એવી કોઈ સિસ્ટમ શોધી શક્યો નથી જેના લીધે સરેરાશ મનુષ્યના મનના ઉઠતા વિકારોને શમાવી શકાય. બળાત્કાર કરવાની ઉઠતી ઈચ્છાને દાબી શકાય એવા સંસ્કાર પુરુષોમાં રોપી શકાતા નથી. માટે જ દર કલાકે દેશમાં અને દરેક મિનિટે દુનિયામાં ક્યાંક ને ક્યાંક બળાત્કારો થતા રહે છે. જેમાંથી 90 પ્રતિશતથી વધુ અત્યાચારો પુરુષો દ્વારા સ્ત્રીઓ ઉપર થાય છે.
કોલકાતામાં થયું. બેંગલુરુંમાં થયું. મહારાષ્ટ્રમાં થયું. જઘન્ય કિસ્સાઓ થતા રહે છે આ આપણા દુર્ભાગ્ય છે. થોડા વર્ષો પહેલા હૈદરાબાદમાં એક વેટરનરી ડોક્ટર ઉપર અમાનુષી અત્યાચાર થયો હતો. જાનવર કરતા પણ બદતર એવા હલકા ચાર આરોપીએ સામુહિક બળાત્કાર કરીને એ મહિલાને બાળી નાખી હતી. તેલંગણા પોલીસે એનું એન્કાઉન્ટર કર્યું. આવા રાક્ષસો જેને લાયક હતા એવી જ સજા એને મળી. કોર્ટના ધક્કા, પોલીસ કસ્ટડીમાં જલસા, આરોપો ને પ્રતિઆરોપો, રાષ્ટ્રપતિ પાસે યાચિકા અરજી વગેરેમાં જે મહિનાઓ કે વર્ષો જાય એના કરતા પોલીસે બંદૂકની ગોળીથી ફેંસલો લાવી દીધો. પણ દરેક કેસમાં આવું થતું નથી.
વિશ્વ આખામાં સૌથી વધુ છૂટછાટ ધરાવતો અને એબ્સોલ્યુટ ફ્રીડમમાં માનતો હોય તેવી છાપ બધાના મનમાં સફળતાપૂર્વક ફેલાવનાર દેશ એટલે અમેરિકા. આ જગત જમાદાર દેશે મિડલ-ઈસ્ટના દેશોથી લઇને અફઘાનિસ્તાન લગી દાયકાઓ સુધી લશ્કરી ચંચુપાત કર્યો છે અને પોતાના કાયમી મીલીટરી બેઝ સ્થાપ્યા છે. જગતની ટોપ-૩માં આવતી સૌથી શક્તિશાળી આર્મી ધરાવતા અમેરિકાના લશ્કરની ક્રૂર હકીકત એ છે કે ઈરાક અને અફઘાનિસ્તાનની જમીન ઉપર અમેરિકન સ્ત્રી સૈનિકને પહેલો ખતરો દુશ્મનની ગોળીનો નહિ, પોતાના જ સહસૈનિક પુરુષ અમેરિકન સૈનિક તરફથી રહેતો. જેટલી અમેરિકન સૈનિક સ્ત્રીઓને ગોળી નથી વાગી તેનાથી વધુ વખત અમેરિકન સોલ્જરો દ્વારા તેમના બળાત્કારો થયા છે. સ્ત્રીઓનો મોટો દુશ્મન કોણ? પોતાનો જ દેશવાસી કે બંદુક ચલાવતો વિરોધી દેશનો સૈનિક? આ જ અમેરિકામાં એવો કાયદો હતો અને હજુ કદાચ છે કે જો બળાત્કારને કારણે બાળકનો જન્મ થાય તો બળાત્કારી તે બાળક ઉપર પોતાનો હકદાવો માંડી શકે!
સૌથી વધુ મોર્ડન-લિબરલ ગણાતા દેશના નાગરીકોને જ આ હાલત હોય તો આફ્રિકા કે નાઉરુની વાત શું કરવી? આપણા દેશમાં વર્ષો પહેલા ઉન્નાવમાં એક સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે અને તેમાં સંડોવાયેલા આરોપી બળાત્કારો સમાજમાં એક ચોક્કસ માન મરતબો ધરાવે છે. કહેવાતા ધર્મસ્થાનોમાં દિવસો સુધી ગેંગરેપ થયા કરે છે અને વિકૃતિની એક અલગ જ ઉંચાઈ આપણને જાણવા મળે છે.
એ ખાસ યાદ રાખજો કે આ બધા એ સમાચાર છે જે બહાર આવે છે અને આપણા સુધી પહોચે છે. બાકી દર કલાકના કેટલા બળાત્કારો થાય છે તેના આંકડા આપણને સૌને ખબર છે. હવે નિરક્ષર વ્યક્તિઓ ખાસ દેશમાં રહ્યા નથી. બધાને લખતા-વાંચતા આવડે છે અને પ્રાથમિક શિક્ષણ મેળવીને બેઠા છે. સમાજના કહેવાતા મોભીઓ, નેતાઓ કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ બળાત્કારી બની શકે છે ત્યારે વિચારવાનું રહ્યું કે માનવસમુદાય તરીકે આપણે સદંતર નિષ્ફળ છીએ. આવા નરાધમો માટે રાક્ષસ કે દાનવ શબ્દ વાપરી ન શકાય. વાંચો આપણા શાસ્ત્રો, દાનવો આટલા ખરાબ હતા?
શિક્ષણ માણસને વધુ સાંસ્કૃતિક બનાવે છે, વધુ ડાહ્યો બનાવે છે- તો સાઉથ ઇન્ડિયામાં વધુ એજ્યુકેશન લેવલ હોવા છતાં ત્યાં પત્રકારોના ખૂન અને બળાત્કારના કેસ કેમ નહીવત નથી? ધર્મ અને સારા વ્યાખ્યાનો માણસને ખરાબ થતા અટકાવે છે – તો દેશમાં આટઆટલા મંદિરો-સ્થાનકો-દેરાસરો-મસ્જીદો-ગુરુદ્વારાઓ-ચર્ચ જેવા અનેક ધર્મસ્થાનકો મોટી સંખ્યામાં હોવા છતાં અને સાધુ-સંતો-ઓલિયા-ફકીરોની મોટી ફોજ હોવા છતાં કેમ સમાજની વધતી જતી રુગ્ણતામાં બ્રેક નથી લાગતી? સોશ્યલ મીડિયા, કનેક્ટીવીટી, ગોલ્બલ પ્લેટફોર્મ માણસને કોઈને કોઈ રીતે એજયુકેટ કરે છે અને દુનિયા નાની બનતા શરમના માર્યા પણ વ્યક્તિને ખરાબ કામ કરતાં અટકાવે છે- તો કેમ ઇન્ટરનેટની સ્પીડ કરતાં વધુ ઝડપે વિકૃતિ પ્રસરી રહી છે?
આવા બનાવો પછી એ સ્વીકારવું રહ્યું કે આપણે શોધેલી બધી વ્યવસ્થાઓ અને સંસ્થાઓ નિષ્ફળ નીવડી છે. એજ્યુકેશન સીસ્ટમ સરિયામ ફેઈલ ગઈ છે. બાળઉછેર હોય કે સંસ્કાર સિંચન- કશું સફળ નથી. ધાર્મિક વૃતિએ શું આપ્યું, તે ચર્ચાને લાયક છે. સમુદાયોની રૂઢિગત પરંપરાઓ આવી નિર્દોષ બાળકીઓને બચાવી શકી નથી. લેખો, સાહિત્ય, સીરીયલો, સરકારી જાહેરાતો, શાળા-સંસ્થાઓ, સાહિત્ય, વ્યાખ્યાનો, સેમિનારો બધું જ અસફળ જઈ રહ્યું છે, માણસ દિવસેને દિવસે વધુ ડીપ્રેશનમાં સરી જઈને ફસ્ટ્રેશનના સ્વરૂપે પોતાની હેવાનિયત પ્રદર્શિત કરી રહ્યો છે.
જાહેરમાં ફાંસી આપવાના પ્રયોગો અમુક આરબ દેશોમાં થયા. શું ત્યાં ક્રાઈમ રેટ અટકી ગયો? ચાઈના-અમેરિકા જેવા દેશોમાં કાયદાઓ ખુબ કડક થયા, ત્યાં શું સ્ત્રીઓને સમાન હકો આદર સાથે મળવા મંડ્યા? નિર્ભયા જેવા રેપ-મર્ડરના અત્યંત ઘૃણાસ્પદ કિસ્સાઓ બંધ થવાનું નામ નથી લેતા. કેમ? કારણ કે પ્રજામાં ખૌફ નથી કે બળાત્કાર કરશું તો આ સીસ્ટમ જિંદગી દોજખ કરી નાખશે.
વીસેક લાખ જેટલી જર્મન સ્ત્રીઓના બળાત્કાર સીતેર વર્ષ પહેલા જ પાંચેક વર્ષના ગાળામાં આપણા એશિયનો દ્વારા થયા હતા. દર ત્રીજો સાઉથ આફ્રિકન પુરુષ રેપીસ્ટ છે એવું ઓફીશીયલ આંકડા કહે છે. જગતનો કયો ખૂણો એવો છે જ્યાં સ્ત્રીને સંપૂર્ણ સુરક્ષા, પૂર્ણતયા હકો અને પૂરતા માન-સમ્માન-આદર મળે છે?