જહાજ પરનાં હુમલાખોરો હવે બચી નહીં શકે, વાંચો કારણ
- પોરબંદર પાસે જહાજ પર હુમલો કરનારાને અમે પાતાળમાંથી પણ શોધી લાવીશું
- સમુદ્રમાં જહાજો પર હુમલા અને ભારત વિરોધી પ્રવૃત્તિ સામે સંરક્ષણમંત્રીની વોર્નિંગ: ભારત ઈન્ડિયન ઓશિયન રીજનમાં
- સિક્યુરિટી પ્રોવાઈડર છે: હુમલાખોરો સામે કઠોર કાર્યવાહી થશે
પાકિસ્તાનની નાપાક હરકતો અને ભારત વિરોધી પ્રવૃત્તિ યથાવત રહી છે ત્યારે ભારત પણ એલર્ટ છે અને સીમાપારના આતંકવાદને ભરીપીવા માટે આક્રમક વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે અને આતંકવાદના પ્રાયોજકોને સબક શીખડાવવા માટે ભારત તત્પર છે. જમ્મુ કાશ્મીરમાં સીમાની સુરક્ષા માટે સરકાર અને સેનામાં હિલચાલ શરૂ થઈ છે. પૂંછમાં થયેલા સેના પરના આતંકવાદી હુમલા તેમજ સમુદ્રમાં ભારત વિરોધી અડપલા સામે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એમ કહ્યું હતું કે પોરબંદર પાસે જહાજ પર હુમલો કરનારાઓને અમે પાતાળમાંથી પણ શોધી કાઢશું.
ભારત આવી રહેલા વ્યાપારિક જહાજ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા અંગે રાજનાથસિંહે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે અમારી સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે. જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમને અમે સાગરના તળમાંથી પણ શોધી લાવશું. આઈએનએસ ઈમ્ફાલના કમિશનીંગ દરમિયાન રાજનાથસિંહે કહ્યું હતું કે, અત્યારના દિવસોમાં સમુદ્રમાં હલચલ કંઈક વધારે જ થઈ રહી છે. ભારતની વધતી આર્થિક અને સંરક્ષણની તાકાતથી કેટલાક દેશેોને ઈર્ષ્યા અને દ્વેષ પેદા થઈ ગયો છે. અરબી સમુદ્રમાં હાલમાં થયેલા એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા અને કેટલાક દિવસ પહેલાં લાલ સાગરમાં સાંઈબાબા નામના જહાજ પર હુમલો થયો હતો અને ભારત તેને ગંભીરતાથી લે છે. રાજનાથસિંહે વધુમાં કહ્યું હતું કે, ભારતીય નૌસેનાએ સમુદ્ર પર વોચ વધારી દીધી છે અને જહાજ પર હુમલા કરનારા લોકોની વિરૂધ્ધમાં કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવશે. ભારત સમગ્ર ઈન્ડિયન ઓશિયન રીજનમાં નેટ સિક્યુરિટી પ્રોવાઈડરની ભૂમિકામાં છે. અમે લોકો એ સુનિશ્ચિત કરશું કે આ વિસ્તારમાં થનારા સમુદ્રી વ્યાપાર સાગરથી ઉઠીને આકાશની ઉંચાઈઓ સુધી પહોંચે અને તેના માટે અમે મિત્ર દેશો સાથે મળીને વધુ સિક્યોર બનાવશું.
પાકિસ્તાન દ્વારા મોટાપાયે કાશ્મીરની સીમા પર આતંકવાદી મોકલવામાં આવી રહ્યા છે અને સમુદ્રમાં પણ ભારત વિરોધી પ્રવૃત્તિ વધી છે ત્યારે સરકાર અને સેના સક્રિય છે. ગઈકાલે આર્મીના વડા મનોજ પાંડેએ પણ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને સેનાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી.
સંરક્ષણમંત્રી આજે જમ્મુ-કાશ્મીરમાં
જમ્મુ કાશ્મીરની સીમા પર આતંકવાદી-ઘૂસણખોરી અને સેના પર હુમલા તેમજ સમુદ્રમાં પણ ભારત વિરોધી પ્રવૃત્તિની સામે હવે કેન્દ્ર સરકાર વધુ આક્રમક બનશે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવાના છે અને સેનાના અધિકારીઓ સાથે તેઓ મહત્વની ચર્ચા કરવાના છે. આતંકવાદને ભરીપીવા માટે સંરક્ષણમંત્રી મહત્વનું માર્ગદર્શન આપશે. દરમિયાનમાં સોમવારે આર્મીના વડા મનોજ પાંડેએ પણ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.