પહલગામ હુમલાનો રોષ મેદાન પર દેખાયો! ભારતના ખેલાડીઓએ વટભેર જીત બાદ પાક.ના ખેલાડીઓ સાથે હાથ ના મિલાવ્યો
રવિવારે એશિયા કપ-2025 ના મેગા મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કડવાશ હતી. ટોસ દરમિયાન પણ સૂર્યાએ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે આંખ મીલાવી ન હતી કે હાથ મિલાવ્યા ન હતા. આ વાત આખી મેચ દરમિયાન ચાલુ રહી હતી. લોકોને અપેક્ષા હતી કે મેચ પછી બંને દેશોના ખેલાડીઓ ઔપચારિક રીતે એકબીજા સાથે હાથ મિલાવશે પરંતુ સિક્સ ફટકારીને ટીમને જીત તરફ દોરી ગયા પછી, સૂર્યા આગળ વધ્યો અને પાકિસ્તાની ખેલાડીઓ તરફ જોયું પણ નહીં. પાકિસ્તાની ખેલાડીઓ મેદાનમાં રાહ જોતા રહ્યા પરંતુ ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. એકંદરે પહલગામ પર આતંકી હુમલાનો રોષ ક્રિકેટના મેદાન પર પણ દેખાયો હતો.
NO Handshake now between IND vs PAK…GOOD JOB cptain suryakumar yadav pic.twitter.com/rQ7vtr2g5L
— Sporttify (@sporttify) September 14, 2025
જીત પહલગામના હતભાગીઓ–સેનાને અર્પણઃ સૂર્યા
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ કે જેનો રવિવારે જન્મદિવસ પણ હતો તેણે અત્યંત ભાવુક શબ્દોમાં ભારતની આ જીત પહલગામ આતંકી હુમલાના હતભાગીઓ અને ભારતીય સેનાને અર્પણ કરી હતી. તેના આ શબ્દો સાંભળીને સ્ટેડિયમમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો.
No handshake 🤝🏻 between India 🇮🇳 and Pakistan 🇵🇰#INDvsPAK pic.twitter.com/aC5PWE990p
— Richard Kettleborough (@RichKettle07) September 14, 2025
ભારતનો પાકિસ્તાન સામે ‘સિંદૂરી’ વિજય
જે પ્રમાણે ભારતે `ઓપરેશન સિંદૂર’ ચલાવી પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હતા એ જ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટના મેદાન પર પાકિસ્તાનને હરાવી `સિંદૂરી’ વિજય મેળવતા દેશની ખુશીનો પાર રહ્યો નહોતો. એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી હતી.

એશિયા કપ-2025ની છઠ્ઠી મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતે 16મી ઓવરમાં જ પાકિસ્તાનના 128 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે છગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી.

પાકિસ્તાને ભારતને 128 રનનો લક્ષ્યાંક આપ્યો
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 128 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહ અને અક્ષરે 2-2 વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા આવેલી ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ આક્રમક મોડમાં હતી. અભિષેક શર્મા પછી તિલકે ઉમદા ઇિંનગ રમી હતી તો કેપ્ટન સૂર્યાએ એક છેડે અડગ રહીને 47 રનની અણનમ ઇિંનગ રમી ભારતને જીત અપાવી હતી.

સૂર્યાએ 16મી ઓવરમાં છગ્ગા વડે ભારતને જીત અપાવી
લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતીય ટીમે શુભમન ગિલની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. શુભમન ગિલ 10 રનના વ્યક્તિગત સ્કોર પર સ્ટમ્પ આઉટ થયો હતો. તેની વિકેટ સેમ અયુબે લીધી હતી. આ પછી અભિષેક શર્માએ કેટલાક સારા શોટ ફટકાર્યા પરંતુ અભિષેક શર્મા ચોથી ઓવરમાં આઉટ થયો હતો. સેમ અયુબે તેને આઉટ કર્યો હતો. અભિષેકે 13 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ પછી, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી હતી. બંને વચ્ચે 56 રનની ભાગીદારી થઈ હતી પરંતુ 13મી ઓવરમાં, ભારતને ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે તિલક વર્મા 31ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા હતા. ત્યારબાદ ભારતનો સ્કોર 97 રન હતો. પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક છેડે ઊભા રહીને અણનમ 47 રન બનાવ્યા હતા. સૂર્યાએ 16મી ઓવરમાં છગ્ગા વડે ભારતને જીત અપાવી હતી.

બેટિંગ-બોલિંગ-ફિલ્ડિંગમાં સૂર્યાબ્રિગેડની કમાલ
ટોસ જીત્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલા પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલા જ બોલ પર હાર્દિક પંડ્યાએ સેમ અયુબની વિકેટ લીધી હતી. આ પછી બીજી જ ઓવરમાં બુમરાહે મોહમ્મદ હેરિસની વિકેટ લઈને પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. પાકિસ્તાનને ફક્ત છ રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. આ પછી ફરહાન અને ફખર ઝમાન પર ઇિંનગ્સ સંભાળવાની મોટી જવાબદારી હતી પરંતુ 8મી ઓવરમાં અક્ષર પટેલે આ ભાગીદારી તોડી નાખી અને સારી લયમાં રહેલા ફખર ઝમાન 17 રન બનાવીને આઉટ થઈ ગયા. તિલક વર્માએ શાનદાર કેચ પકડ્યો હતો.

પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 127 રન બનાવી શકી
બાદમાં 10મી ઓવરમાં અક્ષરે ફરી પાકિસ્તાનને ઝટકો આપ્યો અને કેપ્ટન સલમાન આગાને આઉટ કર્યો હતો. સલમાન ફક્ત ત્રણ રન બનાવી શક્યો હતો ત્યારબાદ કુલદીપે 13મી ઓવરમાં કમાલ કરી અને પાકિસ્તાનને બે ઝટકા આપ્યા હતા. પહેલા હસન નવાઝ અને પછીના જ બોલ પર મોહમ્મદ નવાઝે પોતાની વિકેટ ગુમાવી દીધી. આ પછી 17મી ઓવરમાં, કુલદીપે ફરીથી ફરહાનની વિકેટ લીધી હતી. ફરહાને 40 રન બનાવ્યા હતા. એકંદરે પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 127 રન બનાવી શકી હતી.