બસ, આટલું બાકી હતું, યુકેમાં તરુણી પર વર્ચ્યુઅલ ગેંગરેપ
આભાસી દુનિયાની આઘાતજનક ઘટના
યુકેમાં એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. ઓનલાઇન ‘ મેટાવર્ઝ ‘ પર સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી 16 વર્ષની તરુણીના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વર્ચ્યુઅલ રેપ ની ઘટનામાં પોલીસે ઝંપલાવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે જેમાં ઓનલાઇન આભાસી યુગના ભયસ્થાનોનું પ્રતિબિંબ પડે છે.
પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનેલી તરુણીએ વર્ચ્યુઅલ રિયાલિટી હેડ સેટ ધારણ કર્યો હતો અને ઓનલાઈન ગેમ માં તે તલીન થઈ ગઈ હતી. એ ગેમ દરમિયાન તેના ઉપર એક કરતાં વધુ યુવાનોએ વર્ચ્યુઅલ ગેંગરેપ આચાર્યો હતો.આ આ ઘટના બાદ તરુણી ભયજનક આઘાતમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે તેના ઉપર શારીરિક અત્યાચાર નહોતો થયો પણ, તપાસની અધિકારીના જણાવ્યા અનુસાર એ બાળકીએ શારીરિક દુષ્કર્મ થયું હોય એટલો જ ભાવનાત્મક અને મનોગત આઘાત અનુભવ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે તપાસ તો શરૂ કરી છે પણ પ્રવર્તમાન કાયદાઓમાં વર્ચ્યુઅલ રેપ અંગે કોઈ પ્રાવધાન ન હોવાને કારણે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.
બીજી તરફ યુકેના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરેલએ જણાવ્યું કે વાસ્તવમાં ભલે દુષ્કર્મ ન થયું હોય પણ માત્ર એટલે જ આ ઘટનાને અને તેને કારણે બાળકી ઉપર થયેલી અસરોને અવગણી ન શકાય. વળી જે લોકો વર્ચ્યુઅલી બાળકીને આવો આઘાત આપી શકે છે તે લોકો વાસ્તવિક જીવનમાં પણ આવા કૃત્યો કરી શકે છે તે ભૂલવું ન જોઈએ.