લેબેનોનમાંથી પણ આતંકી ઘૂસ્યા ત્રણ ઇઝરાયેલી સૈનિકોના મોત
યુદ્ધનો નવો મોરચો ખુલી રહ્યો હોવાના એંધાણ
સોમવારે લેબેનોમાંથી ઇઝરાયેલમાં ઘુસેલા આતંકીઓ સાથેના એનકાઉન્ટરમાં ઇઝરાયેલના ત્રણ જવાનો શહીદ થયા હતા. ઇઝરાયેલના લશ્કરી પ્રવક્તાના જણાવ્યા મુજબ ઇઝરાયેલના સશસ્ત્ર દળોએ લેબેનોનમાંથી કેટલાક આતંકવાદીઓને પ્રવેશતા નિહાળ્યા બાદ થયેલી કાર્યવાહીમાં બારામ રિજીયોનલ બ્રિગેડના લેફટેનન્ટ કર્નલ આલીમ અબ્દુલ્લાહ સહિત ત્રણ જવાનોના મૃત્યુ થયા હતા. ઇઝરાયલે કરેલી વળતી કામગીરીમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. જ્યારે એક આતંકી લેબેનોનમાં પરત ભાગી ગયો હતો .
આતંકવાદીઓ ઘૂસી ગયા હોવાના સમાચાર મળ્યા બાદ લેબેનોનની સરહદ નજીકના ઉત્તર ઇઝરાયેલના 28 ગામડામાં લોકોને બોમ્બ શેલ્ટરમાં જતા રહેવાની સૂચના આપવામાં આવી હતી. મોડી રાતે જોકે લશ્કરે હવે એ વિસ્તારમાં એક પણ આતંકવાદી ન હોવાની જાહેરાત કરી હતી.
હેઝબુલ્લાહના ત્રણ આતંકીનો ખાત્મો
લેબેનોનમાંથી ઇઝરાયેલ ઉપર રોકેટ અને મોર્ટાર સેલનો મારો શરૂ થયા બાદ મોટી સંખ્યામાં સરહદ પર ઇઝરાયેલી સશસ્ત્ર દડોવઅને ટેન્કોનો કાફલો ખડકી દેવાયો હતો. ઇઝરાયલે વળતા પગલા તરીકે હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા એર સ્ટ્રાઈક કરી હેઝબુલ્લાહ આતંકવાદીઓના ત્રણ ઓબ્ઝર્વેશન ટાવરને તોડી પાડ્યા હતા. ઇઝરાયલે કરેલા હુમલામાં હેઝબુલ્લાહના ત્રણ આતંકીઓ માર્યા ગયા હોવાનું એ સંગઠને જાહેર કર્યું હતું. એ સંગઠને જોકે ઇઝરાયેલ પરના હુમલામાં પોતે સામેલ ન હોવાનો ખુલાસો કર્યો હતો પણ ઇઝરાયેલ જો આક્રમણ કરશે તો હેઝબુલ્લાહ પણ મેદાનમાં આવશે એવી ચેતવણી આપી હતી.
યુદ્ધથી દૂર રહેવા અમેરિકાને હેઝબુલ્લાહની ચેતવણી
અમેરિકાએ ઇઝરાયેલ ની મદદ માટે પાંચ વોર શિપ અને લડાકુ વિમાનોનો કાફલો રવાના કર્યા હોવાનું જાહેર થયા બાદ હેઝબુલ્લાહે અમેરિકાને આ યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. એ સંગઠનના પ્રવક્તાએ કહ્યું કે જો અમેરિકા યુદ્ધમાં સામેલ થશે તો અમે હાથ જોડીને બેઠા નહીં રહીએ અને તો તેના ગંભીર પરિણામો આવશે. બીજી તરફ ઇઝરાયલે પણ હેઝબુલ્લાહને મર્યાદામાં રહેવાની અને નહિતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી. ઇઝરાયેલની મદદે યુદ્ધ જહાજો મોકલવાના અમેરિકાના પગલાનો રશિયા એ પણ વિરોધ કર્યો હતો. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે બે દેશ વચ્ચેના યુદ્ધમાં કોઈ ત્રીજો દેશ સામેલ થશે તો મોટું જોખમ ઊભું થશે. તેમણે યુદ્ધ વધુ ભડકે તેવા પગલાં લેવા ને બદલે બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો.
