પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વામાં આતંકીઓએ પેસેન્જર વાન ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો : 32 લોકોનાં મોત
ખૈબર પખ્તુન્વામાં ત્રણ દિવસમાં બીજો આતંકી હુમલો
પાકિસ્તાનનાં ખૈબર પખ્તુન્વામાં ત્રણ દિવસમાં બીજો આતંકી હુમલો થયો છે અને આતંકીઓએ પેસેન્જર વાન ઉપર કરેલા હુમલામાં ૩૨ લોકો માર્યા ગયા છે. આ હુમલો ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા.
પેસેન્જર વાન લોઅર કુર્રમના ઓચુત કાલી અને મંડુરી નજીકથી પસાર થઈ કે તરત જ ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ વાન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પેસેન્જર વાન પારાચિનારથી પેશાવર જઈ રહી હતી.
પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડૉન અનુસાર, તહસીલ હેડક્વાર્ટર હોસ્પિટલ અલીઝાઈના ઓફિસર ડૉ.ગયોર હુસૈને મૃત્યુની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. PPPએ X પર એક પોસ્ટમાં કહ્યું કે નિર્દોષ મુસાફરો પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે.