કાશ્મીરમાં આતંકવાદીઓ એ આ દેશની રાઈફલ નો ઉપયોગ કર્યો
- આતંકીઓએ ઘટના સ્થળના ફોટા વાયરલ કર્યા: સુરક્ષા દળોનું ઓપરેશન જારી
ગુરુવારે કાશ્મીરના પૂંછ જિલ્લાના દેહરા કી ગલી વિસ્તારમાં આતંકવાદીઓએ ભારતીય સેનાના બે વાહનો ઉપર કરેલા હુમલામાં પાંચ જવાનો વીરગતિ પામતા દેશવાસીઓ સ્તબ્ધ થઈ ગયા છે. આતંકવાદીઓએ આ હુમલામાં અમેરિકન બનાવટની M 4 રાયફલનો ઉપયોગ કર્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે.આ હુમલાની જવાબદારી લેનાર પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) દ્વારા એ હથિયાર સાથેના ઘટના સ્થળના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.
કાશ્મીરમાં સેનાના જવાનો અને વાહનો ઉપર હુમલા કરવાના બનાવવામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. 19મી તારીખથી રાત્રે સુરનકોટ માં એક પોલીસ કેમ્પમાં વિસ્ફોટ થયા બાદ ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ પૂંછ જિલ્લામાં દેહરા કી ગલી વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા માટેનું ઓપરેશન શરૂ કર્યું હતું. તેમાં ભાગ લેવા જઈ રહેલ સૈનિકોની જીપ તેમજ ટ્રક ઉપર પહેલેથી છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કરતા પાંચ પાંચ જવાનો શહીદ થયા હતા અને અન્ય બેને ગંભીર ઇજા પહોંચી હતી.
એક ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. તેમાં એરિયલ પેટ્રોલિંગ ઉપરાંત સ્નિફર ડોગ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન PAFF પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયાબા સાથે સંકળાયેલું હોવાનું માનવામાં આવે છે. ગુરુવારે થયેલા હુમલા બાદ બે જવાનોના વિકૃત દેહ મળી આવ્યા ના અહેવાલોને પગલે સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
સુરક્ષા દળો પર હુમલાના વધતા જતા બનાવ
ગત મહિને 23 મી તારીખે પણ સૈનિકોને લઈ જતા વાહનોના કાફલા પર થયેલા હુમલામાં બે કેપ્ટન સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. એ પહેલા પાંચમી મેના રોજ રાજોરીમાં પણ આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં પાંચ જવાનોએ શાહદત વ્હોરી હતી. 20 મી એપ્રિલે પીર પંજાલ વિસ્તારમાં આર્મીના કાફલા પર થયેલા હુમલામાં પણ પાંચ જવાનો વીરગતિ પામ્યા હતા.
પૂર્વયોજિત કાવતરું હતું
આતંકવાદીઓ સેનાના કાફલા ઉપર હુમલો કરવા માટે પહેલેથી જ ગોઠવાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. આ હુમલો દેહરા કી ગલી અને બકલીયાઝ વચ્ચે આવેલા ધાત્યાર મોરહ વિસ્તારમાં થયો હતો. એ સ્થળે પહાડી રસ્તા પરના અત્યંત જોખમી વણાંક તેમજ ખાડા ખરબચડા વાળા રસ્તાને કારણે વાહનો અત્યંત ધીમી ગતિએ ચાલતા હોવાથી આતંકવાદીઓએ હુમલા માટે એ સ્થળ ઉપર પસંદગી ઉતારી હતી અને પર્વતની ટોચ પર ગોઠવાઈ ગયા હતા. સૈનિકોના વાહનો એ સ્થળે ધીમા પડ્યા એ સાથે જ આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
આતંકવાદ ક્યાં ખતમ થયો છે? ફારૂક અબ્દુલ્લાહ
પાંચ જવાનો ના મૃત્યુ ની ઘટના બાદ નેશનલ કોન્ફરન્સ ના વડા ફારુક અબ્દુલ્લાહએ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે 370 મી કલમ દૂર કર્યા બાદ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયા હોવાનો સરકાર દાવો કરે છે પણ આતંકવાદ તો ચાલુ જ છે. લશ્કરના ટોચના અધિકારીઓ પણ શહાદત પામ્યા છે. દરરોજ એક યા બીજા સ્થળે વિસ્ફોટ થાય છે. શિવસેનાના નેતા સંજય રાઉતે પણ ગુરુવારે બનેલી ઘટનાને પુલવામાની ઘટના સાથે સરખાવી હતી અને આતંકવાદ નાથવાની સરકારની નિષ્ફળતા સામે સવાલો કર્યા હતા