કાશ્મીરમાં આતંકીઓએ ફરી શું કહેર મચાવ્યો ? વાંચો
- કોની કરી હત્યા ?
- ક્યાં કર્યો હુમલો ?
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ નાપાક હરકત કરતાં બારામુલ્લાના ગેંટમુલ્લા, શીરી ખાતે એક સેવાનિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેઓ મસ્જિદમાં જ્યારે અઝાન આપી રહ્યા હતા તે સમયે જ આ કૃત્ય કરાયું હતું અને તેમને ગોળી ધરબી દેવામાં આવી હતી જેમાં તેઓ ઘાયલ થયા હતા પણ બાદમાં સારવાર વખતે મૃત્યુ થયું હતું.
આ આતંકી હુમલાના તાત્કાલિક બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલામાં સામેલ આતંકીઓને પકડી પાડવા માટે શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે ટ્વિટ પણ કરી હતી અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાતે રાજૌરીમાં આતંકીઓએ સૈન્યના બે વાહનો પર ઓચિંતો હુમલો કરી દીધો હતો. જેમાં 4 જવાનો શહીદ થયા હતા અને 3 ઘવાયા હતા.