ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશની મેચમાં મેદાનની અંદર ઘૂસી ગયો આતંકી !! રચિન રવિન્દ્રને પરાણે ગળે પણ મળ્યો: પાકિસ્તાનના દાવાની નીકળી ગઈ હવા
પાકિસ્તાનમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખેલાડીઓની સુરક્ષામાં મોટી બેદરકારી જોવા મળી હતી. રાવલિપંડીમાં ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન એક આતંકવાદી મેદાનમાં ઘૂસી ગયો હતો જેના કારણે સુરક્ષાને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતાં દાવાની હવા નીકળી જવા પામી હતી. મેદાનમાં ઘૂસેલો આતંકવાદી દર્શક બનીને સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. મેદાનમાં ઘૂસી ગયા બાદ તે ન્યુઝીલેન્ડના બેટર રચિન રવિન્દ્રને ગળે મળ્યો હતો. તપાસ કરતાં ખુલાસો થયો કે આ દર્શક માત્ર દર્શક જ ન્હોતો બલ્કે પ્રતિબંધિત ઈસ્લામિક પાર્ટી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનનો સમર્થક છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના કારમા પરાજય બાદ આતંકીઓ અન્ય મેચને નિશાન બનાવી શકે છે. હજુ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની નવ મેચ રમાવાની છે. આતંકી સંગઠન આઈએસઆઈએસના વડા અબ્દુલ કાદિર મુમીમની પાકિસ્તાન યાત્રાને આ હુમલા સાથે જોડીને જોવામાં આવી રહી છે. બીજી બાજુ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ અહીં સલામતિ-વ્યવસ્થા મજબૂત હોવાનો દાવો કર્યો છે.

એવી વિગત પણ સામે આવી છે કે આતંકી સંગઠન આઈએસનો પ્રમુખ ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાનમાં જ હતો. આ યાત્રામાં તેણે બલુચિસ્તાનમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રોવિન્સના આતંકીઓ સાથે મુલાકાત પણ કરી હતી.