જર્મનીમાં આતંકીએ ભીડ ઉપર કાર ચઢાવી દેતા 2ના મોત: અન્ય 70 ઘાયલ, મૂળ સાઉદી અરેબીયાના શરણાર્થી ડોક્ટરની ધરપકડ
જર્મનીના મેગડેબર્ગ શહેરની ક્રિસમસ બજારમાં ખરીદી અને ઉજવણી કરી રહેલા લોકો ઉપર એક શખ્સે ગાડી ચઢાવી દેતા એક બાળક સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને અન્ય 70 ને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તો પૈકીના 15 ની હાલત નાજુક ગણાવાઈ રહી છે. પોલીસે આ આતંકી હુમલો કરનાર મૂળ સાઉદી અરેબિયાના 50 વર્ષીય તાલેબ નામના ડોક્ટરની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હુમલાખોર ભાડેથી લીધેલી *bmw કાર લઈને પૂરપાટ ઝડપે બજારમાં ઘસી ગયો હતો અને
400 મીટર સુધીના વિસ્તારમાં લોકોને કચડી નાખ્યા હતા. આ હુમલા ને પગલે લોકોમાં ભારે ભયની લાગણી ફેલાઈ હતી અને નાસભાગ મચી જવા પામી હતી.
ઘટનાની જાણ થતા દોડેલી પોલીસે હુમલાખોરને ઝડપી લીધો હતો. ક્રિસમસ પૂર્વેજ થયેલા આતંકી હુમલાને કારણે આનંદ અને ઉત્સવ ની જગ્યાએ માતમનો માહોલ ફેલાઈ ગયો હતો.
જર્મનીનીક્રિસમસ બજારો આતંકીઓના નિશાન પર
જર્મનીના વિવિધ શહેરોમાં ક્રિસમસ પહેલા હંગામી ધોરણે 2500 થી 3,000 જેટલી ક્રિસમસ બજારો ઊભી કરવામાં આવે છે. હજારો લોકો ખરીદી અને ઉજવણી માટે આ બજારોની મુલાકાત લે છે. આવી ક્રિસ્મસ બજાર ઉપર હુમલો થવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ પોલીસે બે અઠવાડિયા પહેલા એક ઈરાકી નાગરિકની ધરપકડ કરી હતી. 2016માં બર્લીનની ક્રિસમસ બજાર ઉપર થયેલા હુમલામાં 13 લોકો માર્યા ગયા હતા.
હુમલાખોર ઇસ્લામ વિરોધી, સાઉદી અરેબિયામાં વોન્ટેડ છે
ઝડપાઈ ગયેલા હુમલાખોર તાલેબે 2006 માં સાઉદી અરેબિયાથી ભાગીને જર્મનીમાં આશરો લીધો હતો. 2016 માં તેને શરણાર્થીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો અને તે સાઈકયાટ્રી અને સાયકોથેરાપી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. તાલેબ સોશિયલ મીડિયા પર પોતાને ભૂતપૂર્વ મુસ્લિમ ગણાવતો હતો. તે ઇસ્લામનો પ્રખર ટીકાકાર છે. તે પોતે શરણાર્થી હોવા છતાં જર્મનીની ઇમિગ્રેશન વિરોધી રાજકીય પાર્ટી અલ્ટરનેટિવ ફોર જર્મનીનો સમર્થક છે. સાઉદી અરેબિયામાં તે આતંકવાદી ગતિવિધિઓ તથા મધ્ય પૂર્વમાંથી છોકરીઓની યુરોપમાં દાણચોરી કરવા જેવા ગુનાઓ બદલ વોન્ટેડ છે. વિડંબના એ છે કે જર્મનીએ
તેના પ્રત્યારોપણની સાઉદી અરેબિયાની માગણી નકારી કાઢી હતી અને એ જ માણસે પોતે જે દેશમાં આશરો લીધો ત્યાં જ આ હુમલો કર્યો.