રામ મંદિર પર બોમ્બ ફેંકવાની તૈયારી કરી રહેલો આતંકી પકડાયો
ગુજરાત ATS-હરિયાણા STFનું સંયુક્ત ઓપરેશન: મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તેમજ અન્ય જમાત સાથે જોડાયેલો હતો
ખંઢેરમાં છુપાવેલા બે જીવતાં હેન્ડગ્રેનેડ મળ્યા: અનેક વખત રામમંદિરની રેકી કરી આવ્યો’તો
ગુજરાત એટીએસ (એન્ટી ટેરેરિઝમ સ્કવોડ) અને હરિયાણા એસટીએફ (સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ)એ હરિયાણાના ફરીદાબાદમાં દરોડો પાડી અબ્દુલ રહેમાન નામના શખ્સને પકડી પાડ્યો હતો. અબ્દુલની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો હતો. અબ્દુલ રહેમાન દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અયોધ્યાના રામ મંદિર ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો. આ માટે આઈએસઆઈએ જ અબ્દુલને તૈયાર કર્યો હતો.
આતંકી અબ્દુલ અનેક જમાત સાથે જોડાયેલો હોવાનું પણ ખુલ્યું છે. અબ્દુલ ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં નોનવેજની દુકાન ધરાવે છે સાથે સાથે રિક્ષા પણ ચલાવતો હતો.
અબ્દુલ રહેમાને પ્લાનિંગ કર્યું હતું કે હેન્ડ ગ્રેનેડ ફેંકી અયોધ્યા રામ મંદિર ઉપર હુમલો કરવામાં આવશે. આ માટે તેણે અનેક વખત રામ મંદિરની રેકી પણ કરી હતી અને તમામ જાણકારી પાકિસ્તાનની આઈએસઆઈ સાથે શેયર પણ કરી હતી. ફૈઝાબાદથી ટે્રન મારફતે અબ્દુલ પહેલાં ફરીદાબાદ પહોંચ્યો હતો. અહીં તેને એક હેન્ડલર્સ દ્વારા હેન્ડ ગ્રેનેડ આપવામાં આવ્યા હતા જે લઈને ટે્રન મારફતે અયોધ્યા જવાનું હતું. જો કે આ કાવતરું સફળ થાય તે પહેલાં જે બે રાજ્યની સુરક્ષા એજન્સીએ તેને દબોચી લીધો હતો.
તપાસમાં ખુલ્યા પ્રમાણે અબ્દુલ રહેમાન ઉત્તરપ્રદેશના મિલ્કીપુર (ફૈઝાબાદ)માં રહે છે. તેણે એક ખંઢેરમાં હથિયાર છુપાવ્યા હોવાનું ધ્યાન પર આવતાં ટીમ ત્યાં પહોંચી હતી અને ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી બે જીવતા હેન્ડ ગ્રેનેડ પકડ્યા હતા.
અબ્દુલની ઉંમર માત્ર ૧૯ વર્ષ: શંકરના નામે રોકાયો હતો !
આતંકી અબ્દુલ રહેમાનની ઉંમર માત્ર ૧૯ વર્ષની હોવાનું ધ્યાન પર આવ્યું છે. પોલીસે તપાસ કરતાં અબ્દુલ પાસેથી અનેક વીડિયો પણ મળ્યા છે જેમાં અલગ-અલગ ધાર્મિક સ્થળો અંગે જાણકારી હતી. તે ફરીદાબાદના પાલીમાં શંકરના નામે રોકાયો હતો.