કાશ્મીરમાં આતંકવાદ નહી આકર્ષણ
જમ્મુ કાશ્મીર ફક્ત એક પ્રદેશ નથી બલકે ભારતનું મસ્તક છે
વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં જંગી સભાને સંબોધી: 370ના નામે રાજકીય પરિવારોએ લાભ લૂંટયા, આજે બધાને સમાન અવસર: હવે જમ્મુ કાશ્મીર વિશ્વ આકર્ષણનું કેન્દ્ર બનશે: હર હર મોદીના નારા લાગ્યા
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા અને રાજ્યને રૂ.5 હજાર કરોડના પ્રોજેકટોની ભેટ આપી હતી. શ્રીનગરમાં એમણે બક્ષી સ્ટેડિયમમાં જંગી સભાને સંબોધન કરીને કહ્યું હતું કે, આજનું નવું કાશ્મીર અને સુખી કાશ્મીર છે અને આવા કાશ્મીરનો દશકાઓથી ઇંતેજાર હતો. આ કાશ્મીર માટે જ શ્યામા પ્રસાદ મુખર્જીએ બલિદાન આપ્યું હતું. એમણે કહ્યું કે, આજે કાશ્મીરમાં આતંકવાદ નહી, આકર્ષણ છે. આગળ જતાં કાશ્મીર વિશ્વના આકર્ષનું કેન્દ્ર બનશે. જમ્મુ કાશ્મીર માત્ર એક ક્ષેત્ર નથી બલકે ભારતનું મસ્તક છે.
વડાપ્રધાને લોકોને ખાતરી આપતા કહ્યું હતું કે, વિકસિત જમ્મુ કાશ્મીર જ વિકસિત ભારતની પ્રાથમિકતા છે. જમ્મુ કાશ્મીર નવા જુસ્સા અને ઝડપ સાથે વિકાસ કરી રહ્યું છે. પર્યટન ક્ષેત્રમાં નવા રેકોર્ડ થયા છે. ધરતીના સ્વર્ગ પર આવવાનો અનુભવ અદ્દભુત છે. હું તમારું દિલ જીતવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજના કાશ્મીરમાં બધાને સમાન અધિકાર અને સમાન અવસર મળી રહ્યા છે. પ્રવાસી ભારતીયો કાશ્મીર આવે અને તેની મજા લે. જમ્મુ બાદ હવે કાશ્મીરને પણ એઇમ્સ મળવાની છે.
વડાપ્રધાને કહ્યું કે, કાશ્મીરમાં અનેક ઝીલમાં અનેક કમળ છે એટલે કાશ્મીરનો ભાજપ સાથે ઘેરો નાતો રહ્યો છે. અમે પણ કાશ્મીરના યુવાનોને આગળ વધારવા માટે સક્રિય છીએ. જમ્મુ અને શ્રીનગરને સ્માર્ટ સિટી બનાવશું.
કલમ 370નો ઉલ્લેખ કરીને વડાપ્રધાને વિપક્ષ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, 370ના નામે કેટલાક રાજકીય પરિવારો લાભ લૂંટી રહ્યા હતા. કોંગ્રેસે આ મુદ્દા પર કાશ્મીરની જનતાને ગુમરાહ કરી હતી. પરિવારવાદ અને ભ્રષ્ટાચાર આચરીને આ લોકોએ જનતાના હક મારી દીધા હતા. એક જમાનો હતો જ્યારે કેન્દ્રની યોજનાના કોઈ લાભ અહીના લોકોને મળતા ન હતા. હવે જમ્મુ કાશ્મીર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી પાંચ વર્ષમાં તેનો અભૂતપૂર્વ વિકાસ થવાનો છે. પવિત્ર માસ રમઝાન શરૂ થવાનો છે તેમ કહીને વડાપ્રધાને લોકોને શુભકામના પાઠવી હતી અને મહા શિવરાત્રિની પણ શુભકામના આપી હતી.
2 એઇમ્સ, IIT, IIM, 2 કેન્સર હોસ્પિટલ અને સ્માર્ટ સિટી: વડાપ્રધાને બતાવ્યો કાશ્મીર પ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભામાં કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારે બનાવેલા પ્લાનનો સંકેત પણ આપ્યો હતો અને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને 2 એઇમ્સ મળશે. જેમાં એક જમ્મુમાં બની છે હવે કાશ્મીરમાં બનશે. 7 મેડિકલ કોલેજ ખૂલી ચૂક્યા છે. 2 મોટી કેન્સર હોસ્પિટલ પણ બની છે. IIT અને IIM જેવા આધુનિક શિક્ષણ સંસ્થાનો પણ બની રહ્યા છે. હવે યુવાનો અને યુવતીઓને રોજગાર પણ મળશે અને બીજા રાજ્યોની જેમ બધી સુવિધા પણ મળશે.