મોસ્કોમાં આતંકી હુમલો: 60ના મોત:145 ઘાયલ
ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા નરસંહાર
સંગીતનો જલસો માણવા આવેલા નિર્દોષ લોકો ભોગ બન્યા: આતંકવાદી સંગઠન ISIS – K એ જવાબદારી લીધી
શુક્રવારે રાત્રે મોસ્કોના પાદરમાં આવેલ કોરકસ સીટી હોલમાં સંગીતનો જલસો માણવા આવેલા લોકો પર આતંકવાદીઓએ હુમલો કરતા ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હતા અને અન્ય 145 ઘાયલ થયા હતા. ઘાયલો પૈકીના 60 ની હાલત ગંભીર ગણાવાઇ રહી છે આ સંજોગોમાં મૃત્યુ આંક વધવાની સંભાવના છે. આ ક્રુર આતંકવાદી હુમલાની જવાબદારી સુન્ની મુસ્લિમ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ – કે એ લીધી હતી. આ ઘટનાને પગલે વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદનો ક્રૂર અને ઘાતકી ચહેરો ફરી એક વખત સામે આવી ગયો છે.
રશિયાની સત્તાવાર ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ હોલમાં રશિયાના પ્રખ્યાત પિકનિક બેન્ડના સંગીતના કાર્યક્રમનું આયોજન થયું હતું. 6,200 લોકોને સમાવાની ક્ષમતા ધરાવતા આ હોલમાં મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવી ગયા હતા અને કાર્યક્રમ શરૂ થવા માં હતો ત્યાં જ સૈનિકોના છદ્મ ગણવેશમાં આવેલા આતંકવાદીઓએ નિર્દોષ લોકો પર અંધાધુંધ ગોળીબાર કરી હેન્ડ ગ્રેનેદ અને બોમ્બ ફેંક્યા હતા.
થોડીવારમાં જ આખો હોલ ભાગમાં લપેટાઈ ગયો હતો. હોલની એક તરફની છત પણ પડી ભાંગી હતી. ગોળીબાર થી બચવા માટે લોકો હોલના દરવાજા અને દાદરાઓ તરફ ભાગ્યા હતા. બનાવની જાણ થતા સશસ્ત્ર દળો ઘટના સ્થળે પહોંચ્યા પણ ત્યાં સુધીમાં આ ઘાતકી હત્યાકાંડ આચરનારા આતંકીઓ ભાગી છુટવામાં સફળ થયા હતા.આ ઘટનાને પગલે સમગ્ર રશિયા શોકમગ્ન બની ગયું હતું. વિશ્વભરના નેતાઓએ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. ભારતના વડાપ્રધાન મોદીએ પણ આતંકવાદને વખોડી મૃતકો તેમજ ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પુતિન તાજેતરમાં જ વિક્રમસર્જક બહુમતીથી ચૂંટાઈ આવ્યા તેના થોડા દિવસો પછી જ ઇસ્લામિક આતંકીઓ ત્રાટક્યા છે. પુતીનના શાસનમાં રશિયામાં મુસ્લિમો ઉપર દમન થતું હોવાના આક્ષેપ સાથે રશિયામાં છેલ્લા બે વર્ષથી આ સંગઠન સક્રિય બન્યું છે.
અમેરિકાએ ચેતવણી આપી હતી પણ રશિયાએ કાને ન ધરી
અમેરિકાની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું કે મોસ્કોમાં લોકોના મેળાવડા અથવા સંગીતના જલસા ઉપર આતંકવાદી હુમલો થવાની ચેતવણી અમેરિકાએ હજુ પંદર દિવસ પહેલા જ રશિયાને આપી હતી. જો કે રશિયાએ આ ચેતવણીને હસી કાઢી હતી.
ત્યાં સુધી કે મંગળવારે પુતિને અમેરિકન ચેતવણીઓને “ઉશ્કેરણીજનક” ગણાવી હતી. આવી ચેતવણીઓ રશિયાને બ્લેકમેલ કરવા લોકોને ડરાવવા અને અસ્થિરતા સર્જવા માટે અપાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો
અમેરિકા યુક્રેનને છાવરે છે: રશિયાનો આક્ષેપ
યુક્રેને આતંકવાદી હુમલો યુક્રેન ઉપર દોષનો ટોપલો ઓઢાડી યુદ્ધને ઉચિત ઠેરવવા માટે માટે રશિયાએ પોતે જ કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ અમેરિકાએ આ હુમલામાં યુક્રેનની કોઈ ભૂમિકા ન હોવાનું પ્રમાણપત્ર આપી દીધું હતું. બાદમાં રશિયાના પ્રવક્તાએ સવાલ કર્યો કે હજુ તો આતંકવાદી હુમલો ચાલુ છે ત્યાં જ યુક્રેન નો હાથ નથી એવી ખબર અમેરિકાને કઈ રીતે ખબર પડી ગઈ? પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા પાસે કોઈ પુરાવા હોય તો રશિયાને આપવા જોઈએ. યુક્રેન ને અમેરિકા છાવરતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
2004ના શાળા પરના હુમલા પછીનો સૌથી મોટો હુમલો
રશિયામાં 2004માં નોર્થ એસેટિયાના બેસલાન નગરમાં એક સ્કૂલ પર થયેલા હુમલા પછીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. 1 સપ્ટેમ્બર 2004 ના રોજ બેસલાનની એક સ્કૂલમાં ચેચેનિયાના બળવાખોરોએ બાળકો, વાલીઓ તથા શિક્ષકો સહિત 1153 લોકોનેત્રણ દિવસ સુધી બંધક બનાવ્યા હતા. આતંકીઓએ 186 બાળકો અને 111 વાલીઓ સહિત 333 લોકોને મારી નાખ્યા હતા અને 800 લોકો ઘાયલ થયા હતા. ક્રૂર આતંકીઓએ 100 લોકોને તો જીવતા સળગાવી દીધા હતા.