દિલ્હી-કોલકાતા હાઇવે પર ચાર-ચાર દિવસથી ભયંકર ટ્રાફિક જામ : હજારો લોકો ફસાયા, 24 કલાકમાં માત્ર 5 કિલોમીટર કાપી શક્યા
દિલ્હી કોલકત્તા હાઈવે પર બિહારના એક ભાગમાં છેલ્લા ચાર ચાર દિવસથી હજારો વાહનો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા છે.ગયા શુક્રવારે બિહારના રોહતાસ જિલ્લામાં મુશળધાર વરસાદ બાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 19 પર વિવિધ સ્થળોએ છ-લેન બાંધકામ કંપની દ્વારા બનાવવામાં આવેલા ડાયવર્ઝન અને સર્વિસ લેન પાણીમાં ડૂબી ગયા હતા.ઉપરથી ભયંકર ખાડાઓને કારણે પાણી ભરાઈ જતા અનેક વાહનો ફસાઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અનેક વીડિયોમાં બમ્પર ટુ બમ્પર ઊભેલા સેકડો વાહનોની કતારો નજરે પડે છે.
છેક રોહતાસથી 65 કિલોમીટર દૂર આવેલા ઔરંગાબાદ સુધી ટ્રાફિક જામ થઈ જતા સ્થિતિ ગંભીર બની ગઈ છે.ટ્રાફિક જામમાં ખાદ્ય ચીજો લઈ જતા વાહનચાલકો, એમ્બ્યુલન્સ, કટોકટી સેવાઓ અને પ્રવાસી વાહનો પણ ટ્રાફિક જામનો ભોગ બન્યા છે.
આ પણ વાંચો :કેલીફોર્નિયામાં દિવાળી પર સત્તાવાર સ્ટેટ હોલિ-ડે જાહેર : ભારતીયોમાં ખુશીની લહેર, અમેરિકાના ત્રીજા રાજ્યમાં રજા કરાઇ જાહેર
ફસાયેલા વાહન ચાલકોના જણાવ્યા અનુસાર સ્થાનિક વહીવટીતંત્ર તરફથી મોટા ટ્રાફિક જામને દૂર કરવા માટે કોઈ પ્રયાસો થયા નથી. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિય કે રોડ કન્સ્ટ્રક્શન કંપનીએ આ મામલે કોઈ કાર્યવાહી ન કરતાં હજારો વાહનચાલકો અને મુસાફરો ભગવાન ભરોસે મુકાઈ ગયા છે.
24 કલાકમાં માત્ર પાંચ કિલોમીટર કાપી શકાયા
પ્રવિણસિંહ નામના ટ્રક ડ્રાઇવરે છેલ્લા 30 કલાકમાં માત્ર સાત કિલોમીટર જ આગળ વધી શકાયું હોવાનું જણાવ્યું હતું. બીજા એક ટ્રક ડ્રાઇવર સંજય સિંહે કહ્યું,” અમે બે દિવસથી ટ્રાફિક જામમાં ફસાયેલા છીએ. અમે ભૂખ્યા અને તરસ્યા છીએ અને દયનીય હાલતમાં છીએ. થોડા કિલોમીટરનું અંતર કાપવામાં પણ કલાકો લાગે છે.”
