રાજસ્થાનના ટોંક જિલ્લામાં પેટાચૂંટણી બાદ ભયંકર તોફાન: 72 વાહનો સળગાવી દેવાયા
રાજસ્થાનના ટોંક જિલ્લાની દેવરી ઉનારીયા બેઠક પર બુધવારે થયેલી પેટા ચૂંટણીમાં મતદાન દરમિયાન એસડીએમ અમિત ચૌધરીને લાફો મારનાર અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ બાદ એ મતક્ષેત્ર હેઠળ આવતા સમરાવતા ગામ અને આસપાસના ગામડાઓમાં ભયંકર તોફાનો ફાટી નીકળ્યા હતા.તોફાનીઓએ પોલીસ ઉપર પથ્થરમારો કરી 24 મોટા વાહનો અને 48 મોટર સાયકલોને આગને હવાલે કરી દીધા હતા અને અનેક મકાનોમાં તોડફોડ કરી હતી.તોફાનોમાં 15 લોકોને ઇજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.પોલીસને તોફાનોને કાબુમાં લેવા ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.આ બારામાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે મતદાન ચાલુ હતું ત્યારે અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એક મતદાન કેન્દ્રની બહાર પોલીસની હાજરીમાં જ એસડીએમ અમિત ચૌધરીને લાખો મારી દેતાં મોટી બબાલ થઈ હતી. નરેશ મીણાએ સમરાવતા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવા છતાં તંત્ર દ્વારા પરાણે મતદાન કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
લાફો માર્યાની એ ઘટના બાદ નરેશ મીણા અને તેના સમર્થકો ધરણા પર બેસી ગયા હતા. રાત્રે 9:30 વાગ્યાના અરસામાં સમરાવતા ગામમાં પહોંચી નરેશ મીણાએ પોલીસે માર માર્યો હોવાનું જણાવી લોકોની ઉશ્કેરણી કરી હતી. દરમિયાન મોટો પોલીસ કાફલો સમરાવતા ગામમાં પહોંચી ગયો હતો અને નરેશ મીણાની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ થતા ગ્રામજનો અને મીણા સમુદાયના લોકો પોલીસ ઉપર પથ્થરમારો કરી નરેશ મીણાને છોડાવી ગયા હતા. એ દરમિયાન પોલીસ અને ટોળા વચ્ચે રમખાણ ફાટી નીકળ્યું હતું. તોફાનોમાં 24 મોટા વાહનો અને 48 મોટરસાયકલને સળગાવી દેવામાં આવ્યા હતા. ટોળાએ અનેક મકાનોમાં તોડફોડ કરી હતી. ગ્રામજનો એ તો જોકે પોલીસે જ વાહનો સળગાવી દીધા હોવાનો અને ગ્રામજનોને બેરહેમી થી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તોફાનો બેકાબૂ બનતાં વધારાની પોલીસ કુમક મોકલવામાં આવી હતી. આખી રાત ધમાલ ચાલ્યા બાદ પોલીસે મામલો કાબુમાં લીધો હતો અને ગુરુવારે સવારે નરેશ મીનાની ફરીથી ધરપકડ કરી હતી.