26 સપ્તાહના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી નહીં : સુપ્રીમ કોર્ટ
ગર્ભપાતના કોર્ટના 9 મી તારીખનાં આદેશને પાછો ખેચવાની કેન્દ્રની અરજી પર સુનવણી બાદ ચુકાદો, બાળકને મારી શકાય નહીં
સુપ્રીમ કોર્ટે એક મહત્વનું ફરમાન જારી કરીને 26 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે આ નિર્ણય એવા સમયે આપ્યો હતો જ્યારે એમ્સના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મહિલાના ગર્ભમાં બાળક સામાન્ય છે. કોર્ટને જાણવા મળ્યું કે, ડિપ્રેશનથી પીડિત મહિલા જે દવાઓ લઈ રહી હતી તેનાથી બાળકને કોઈ નુકસાન થયું નથી. અદાલતે એમ ઠરાવ્યું હતું કે ગર્ભ 26 સપ્તાહ અને 5 દિવસનું થયું છે અને મહિલાને કોઈ ખતરો નથી. ભ્રૂણમાં વિસંગતિનો પણ આ મામલો નથી. બાળકને મારવાની હવે મંજૂરી આપી શકાય નહીં.
26 સપ્તાહનો ગર્ભ સમાપ્ત કરવાના અદાલતના 9 ઓક્ટોબરના આદેશને પાછો લેવાની કેન્દ્ર સરકારની અરજી પર બેન્ચે સુનાવણી કરતાં કહ્યું હતું કે જન્મ બાદ માતા પિતાએ જ અંતિમ નિર્ણય લેવાનો છે કે તેઓ બાળકને રાખવા માંગે છે કે કોઈને દત્તક આપવા માંગે છે. તેમાં સરકાર સંભવ મદદ કરશે. ગુરુવારે બેન્ચે કહ્યું હતું કે અમે બાળકને મારી શકીએ નહીં.
શુક્રવારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે એમ્સ મેડિકલ બોર્ડને ગર્ભમાં રહેલા બાળક પર થતી અસર અંગે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
આ અંગે મહિલાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, તે લેક્ટેશનલ એમેનોરિયા નામની બીમારીથી પીડિત છે. આ સિવાય તે ડિપ્રેશનમાં પણ છે અને તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી. તેથી, તે તેના ત્રીજા બાળકને ઉછેરવામાં સક્ષમ નથી.
છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહિલાની હેલ્થ ચેકઅપ કરવાનો આદેશ આપ્યો હતો. આજે કોર્ટમાં રજૂ કરાયેલા નવા એમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગર્ભમાં રહેલું બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે, બાળકને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી.
અગાઉ આ કેસની સુનાવણી બે જજોની બેંચ સમક્ષ થઈ હતી. 11 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો. એક ન્યાયાધીશે ગર્ભપાતને મંજૂરી આપવા માટે અનિચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે બીજા ન્યાયાધીશે કહ્યું હતું કે, મહિલાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.