મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં વૈશ્વિક તેલ પ્રવાહ લગભગ સ્થગિત થવાની સ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક સમુદ્રી ડેટા મુજબ હોર્મુઝ સત્તાવાર રીતે બંધ નથી, છતાં ત્યાંથી પસાર થતો કાચા તેલનો વહિવટ 86 ટકા સુધી ઘટી ગયો છે. રોજના સરેરાશ 19.8 મિલિયન બેરલ કાચું તેલનું પરિવહન કરતાં એ માર્ગ પર 1 માર્ચે ફક્ત 2.8 મિલિયન બેરલ વહન કરતા ત્રણ ટેન્કર જ પસાર થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ હાલ અંદાજે 706 બિન-ઇરાની ટેન્કરો હોર્મુઝની બંને બાજુ અટવાયેલા છે. તેમાં 334 ક્રૂડ કેરિયર, 109 ડર્ટી પ્રોડક્ટ ટેન્કર અને 263 ક્લીન પ્રોડક્ટ વહાણોનો સમાવેશ થાય છે. વધુ 26 ટેન્કર ગલ્ફ વિસ્તારમાં ગંતવ્ય વિના તરતા જોવા મળે છે, જ્યારે ગલ્ફ ઓફ ઓમાનમાં પણ સેકડો જહાજો રાહ જોઈ રહ્યા છે.
વૈશ્વિક ઊર્જા બજારોમાં તરત અસર જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ 10 ટકા ઉછળી 80 ડોલર પ્રતિ બેરલ આસપાસ પહોંચ્યા છે. સાઉદી અરેબિયાના Ras Tanura રિફાઇનરી અને કતારના એલએનજી પ્લાન્ટ પર હુમલાઓ બાદ યુરોપમાં ગેસના ભાવ 40 ટકા કરતાં વધુ વધ્યા. વોર-રિસ્ક ઇન્શ્યોરન્સ મોંઘું બનતાં અને ભાડાં વધતાં ઇંધણના વૈશ્વિક ભાવ પર સીધી અસર થવાની શક્યતા વધી છે.
આ પણ વાંચો :ગજબ સંયોગ: હોળીની જાળ પરથી આવ્યો વર્ષ 2026નો વરતારો: ભારે વરસાદ અને આર્થિક મંદીના સંકેત, દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે
જો લાંબા સમય સુધી અવરોધ રહેશે તો એશિયા અને યુરોપના રિફાઇનરોને અમેરિકન ગલ્ફ, પશ્ચિમ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા તરફ વળવું પડશે. ચીન અને ભારત જેવા દેશો, જે ગલ્ફ ક્રૂડ પર ભારે નિર્ભર છે, તેમને સીધી અસર થવાની સંભાવના છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ “દિવસો નહીં, અઠવાડિયા” ચાલે તેવી શક્યતા છે. આવી સ્થિતિ લાંબી ખેંચાય તો ભારત માટે ઘરઆંગણે ઇંધણ સુરક્ષા અને વૈશ્વિક નિકાસ વચ્ચે સંતુલન સાધવું પડકારરૂપ બનશે.
ઇંધણ પરિસ્થિતિ પર કેન્દ્ર સરકારની નજર
ભારત તેની પેટ્રોલિયમ જરૂરિયાતનો મોટો હિસ્સો ગલ્ફ દેશોથી આયાત કરે છે. એલપિજી માટે અંદાજે 80–85 ટકા આયાત હોર્મુઝ મારફતે જ આવે છે. સપ્લાય સંપૂર્ણ અટકે તો હાલના જથ્થા બે અઠવાડિયા જેટલા વપરાશ પૂરતા હોવાના ઉદ્યોગ અનુમાન છે.
કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તેલ મંત્રી હરદીપ સિંઘ પુરીએ દેશમાં 74 દિવસ ચાલે તેટલો કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો જથ્થો હોવાનું જણાવ્યું છે. તેમાં વ્યૂહાત્મક સ્થળોએ સંગ્રહિત ક્રૂડ આશરે 17–18 દિવસ અને તૈયાર ઇંધણનો જથ્થો 20–21 દિવસનો ગણાય છે.યુદ્ધ લંબાય તો પેટ્રોલ-ડીઝલ નિકાસમાં ઘટાડો, રશિયન ક્રૂડ આયાતમાં વધારો અને એલપિજી વિતરણમાં માંગ-નિયંત્રણ જેવા પગલાં વિચારાધીન હોવાનું સૂત્રો સૂચવે છે. પરિસ્થિતિ લાંબી ચાલે તો ઇંધણના ભાવ અને પુરવઠા બંને પર દબાણ વધવાની શક્યતા નકારી શકાય નહીં.
