દસ વર્ષના ‘બાલ સંત’ અભિનવ અરોરાને બિશ્નોઇ ગેંગની ધમકી!
સોશિયલ મીડિયાના માધ્યમ થકી ‘ બાલ સંત ‘ તરીકે રાતોરાત પ્રખ્યાત થઈ ગયેલા દસ વર્ષના બાળક અભિનવ અરોરા ને લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી મળી હોવાનું તેના માતા જ્યોતિ અરોરાએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી મારા પુત્રને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમના પુત્રએ ભક્તિ સિવાય બીજું કાંઈ કર્યું નથી છતાં તેણે કેમ આટલું બધું સહન કરવું પડે છે અને તેને કેમ ધમકીઓ મળે છે તેવો સવાલ તેમણે કર્યો હતો.
નોંધનીય છે કે દિલ્હીમાં રહેતાં અભિનવ અરોરાએ પોતાને ત્રણ વર્ષની ઉંમરે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોવાનો દાવો કર્યો છે. એક સમયે તો તેણે તેની સાથે કૃષ્ણ ભગવાન ભણ્યા હોવાનો પણ દાવો કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઇન્ફલુએન્સર તરીકે ઉભરી આવેલ અભિનવ એરોરાના instagram પર 9.5 લાખ ફોલોઅર્સ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેને દેશનો સૌથી નાની ઉંમરનો આધ્યાત્મિક વક્તા ગણાવી તેનું સન્માન કર્યું હતું. જોકે આ બાળક અધ્યાત્મના નામે ધતિંગ કરતો હોવાની પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારો લોકો ટીકા કરી રહ્યા છે. છેલ્લે જાણીતા પ્રજ્ઞાચક્ષુ સંત રામભદ્રાચાર્યએ તેને સ્ટેજ ઉપરથી ઉતારી મૂક્યો તે પછી તે વિવાદમાં આવી ગયો હતો.
અભિનવના જણાવ્યા મુજબ શાળામાં તે અન્ય વિદ્યાર્થીઓને હાઈ, હેલો કે ગુડ મોર્નિંગ કહેવાને બદલે રાધે રાધે અને જય શ્રી કૃષ્ણથી સંબોધન કરતો હોવાને કારણે બધાએ તેની સાથે અંતર બનાવી લીધું હતું. ઘણા લોકો તેની તુલના કૃષ્ણ ભગવાનના ભાઈ બલરામ સાથે કરે છે. વિમાનમાં મુસાફરી દરમિયાન એરપોર્ટ પર તેનું ફુલહારથી સ્વાગત કરતા અને તેના ચરણસ્પર્શ કરતા ભાવિકોના દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
