દેશમાં સૌથી વધુ ભ્રષ્ટ સરકાર તેલંગણામાં છે : રાહુલ ગાંધી
રેલીને સંબોધન દરમિયાન રાહુલે ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઊઠાવ્યો
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ પક્ષોના નેતાઓ સતત જાહેર સભાઓને સંબોધી રહ્યા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ સતત ચૂંટણી રેલીઓનું આયોજન કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ તેલંગાણાના એન્ડોલામાં એક ચૂંટણી રેલીમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે સત્તારુઢ પાર્ટી બીઆરએસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું હતું કે દેશમાં સૌથી ભ્રષ્ટ સરકાર તેલંગાણામાં છે.
રેલીને સંબોધિત કરતા તેમણે સવાલ કર્યો હતો કે, રાજ્યના આઠ હજાર ખેડૂતોએ આત્મહત્યા કેમ કરી? તમારા રાજ્યના ધારાસભ્યો જ દલિત બંધુ યોજનામાં કાપ મૂકી રહ્યા છે. ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટ સરકાર તેલંગાણા રાજ્યમાં છે. મને એ જણાવતા દુઃખ થઈ રહ્યું છે કે, માત્ર તેલંગાણાના લોકોને જ તેનો ભોગ બનવું પડ્યું છે.