ગૌતમ અદાણી સાથેની મુલાકાત બાબતે ટીડીપીએ જગન મોહનનો ખુલાસો માગ્યો
અદાણી ડીલ મુદ્દે આંધ્રમાં રાજકારણ ગરમાયું
અમેરિકાની કોર્ટમાં રજૂ થયેલા આરોપનામાં ગૌતમ અદાણી, સાગર અદાણી અને વનિત જૈન સામે લાંચ નો કોઈ આક્ષેપ નથી એવો અદાણી જૂથે ખુલાસો તો કર્યો પરંતુ ભારતમાં ઘર આંગણે એ વિવાદ અટકવાનું નામ નથી લેતો. અદાણી જૂથ દ્વારા આંધ્રપ્રદેશના એક અધિકારીને કથિત રીતે 1750 કરોડની લાંચ અપાઇ હોવાના આરોપનામાં થયેલા ઉલ્લેખ બાદ હવે આંધ્ર પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. આંધ્ર પ્રદેશના સતાધારી પક્ષ ટીડીપીએ આ બાબતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડીને સાણસામાં લેવાનું શરૂ કર્યું છે.
ટીડીપીના પ્રવક્તા અનામત વેંકટરામન રેડીએ કહ્યું કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના માધ્યમથી અદાણી ગ્રુપ પાસેથી વીજળી ખરીદવાનો રાજ્યના અનેક ડિપાર્ટમેન્ટોએ વિરોધ કર્યો હોવા છતાં તે અંગેની ફાઈલો પર ગુપ્ત રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
તેમણે ગૌતમ અદાણી અને જગન મોહન રેડી વચ્ચેની મુલાકાતની વિગતો જાહેર કરવાની માગણી કરી હતી. નોંધનીય છે કે આ અગાઉ આંધ્રપ્રદેશના બે પ્રધાનોએ પણ અદાણી જૂથની આ ડીલ તપાસના દાયરામાં હોવાનું જણાવ્યું હતું. આંધ્ર પ્રદેશ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતે આરોપનામાં વિશે માહિતગાર હોવાનું જણાવી જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. જગન મોહન રેડીને કારણે આંધ્ર પ્રદેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે અમેરિકાની અદાલતમાં રજૂ થયેલા આરોપનામાં આંધ્ર પ્રદેશના એક ઉચ્ચ અધિકારીની ‘ ફોરેન ઓફિસિયલ 1’ તરીકે ઓળખ આપવામાં આવી છે. એ અધિકારી મેં 2019 થી જુન 2024 સુધી ઉચ્ચ હોદ્દો ભોગવતા હતા. ગૌતમ અદાણી સ્વયં એ અધિકારીને બે વખત મળ્યા હોવાનો તેમાં ઉલ્લેખ છે. જોકે આરોપનામાં એ અધિકારીનું નામ નથી જણાવાયું પરંતુ અદાણી જૂથે સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરેલ રિપોર્ટમાં ગૌતમ અદાણી બે વખત તત્કાલીન મુખ્યમંત્રી જગનમોહન રેડીને મળ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.