મહારાષ્ટ્રમાં 2જી ડિસેમ્બરે શપથવિધિ થવાની સંભાવના
શિંદેએ મહાયુતી સરકારના કન્વીનર પદ અને પુત્ર માટે નાયબ મુખ્યમંત્રી પદની માગણી કરી
મહારાષ્ટ્રની નવી સરકારમાં એકનાથ શિંદેએ તેમને પોતાને મહાયુતી સરકારના કન્વીનર બનાવવાની અને તેમના પુત્ર અને વર્તમાન સાંસદ શ્રીકાંત શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. જોકે તેમના આ પ્રયત્નો સામે તેમની પાર્ટીમાંથી જ વિરોધનો સૂર ઉઠ્યો છે.
મહારાષ્ટ્રમાં મહાયુતીને પ્રચંડ બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રી પદ માટે ઘટક પક્ષોમાં વિવાદ થયો હતો. એકનાથ શિંદેએ તેમના નેતૃત્વને કારણે મહા યુતીને વિજય મળ્યો હોવાનો દાવો કરી મુખ્યમંત્રી પદ માટે દાવેદારી નોંધાવી હતી. શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ પણ શિંદેને જ મુખ્યમંત્રી બનાવવાની જાહેરમાં માગણી કરી હતી. બીજી તરફ ભાજપના પ્રવક્તાએ મુખ્યમંત્રી ભાજપના જ બનશે અને તે અંગે એકનાથ શિંદેને પણ જાણ કરી દેવાય હોવાનો દાવો કર્યો હતો.
આ બધા વચ્ચે અંતે એકનાથ શિંદેએ શરણાગતિ સ્વીકાર અને વડાપ્રધાન મોદીના નિર્ણયને માન્ય રાખવાની જાહેરાત કરી હતી. એકંદરે મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે.
નવા મંત્રીમંડળમાં અજીત પવાર સહિત બે નાયબ મુખ્યમંત્રી હશે તેવું માનવામાં આવે છે. ચર્ચાતી વિગતો મુજબ એકનાથ શિંદેએ બીજા નાયબ મુખ્યમંત્રી પદ માટે તેમના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેનું નામ આગળ ધર્યું હતું.જો કે તેમના આ નિર્ણય સામે પક્ષમાં જ વિરોધનો સુર ઉઠ્યો છે. કેટલાક ધારાસભ્યોએ ગર્ભિત રીતે વંશવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્યને આગળ કરી રહ્યા છે અને વંશવાદ ચલાવે છે તેવી એક તરફથી આપણે ટીકા કરતા હોઈએ ત્યારે પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવાથી શિવસેનાની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે એવો સુર કેટલાક ધારાસભ્યો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે વ્યવસાયે ઓર્થોપેડિક સર્જન છે. 2014 માં તેઓ પ્રથમ વખત કલ્યાણની બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 માં પણ એ જ બેઠક ઉપરથી તેમનો વિજય થયો હતો. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ પણ મુખ્યમંત્રી પદના વિવાદને કારણે નવા મંત્રીમંડળની શપથવિધિ થઈ શકી નહોતી પણ હવે બીજી ડિસેમ્બરે શિવાજી પાર્કમાં ભવ્ય સમારોહમાં શપથવિધિ યોજવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
કેબિનેટમાં શિંદેના 12 અને પવારના 9 પ્રધાનોની નિમણૂક થવાની સંભાવના
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ ની ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સભ્યોના નામ નક્કી કરવામાં આવશે. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકેનો દાવો જતો કર્યા બાદ તેમના પક્ષના બાર ધારાસભ્યોને કેબિનેટમાં પ્રધાન પદ મળશે તેવી ચર્ચા છે. તેમાં શહેરી વિકાસ,પીડબ્લ્યુડી અને જળસંચય જેવા મહત્વના ખાતાઓનો પણ સમાવેશ થાય છે. અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરાંત નાણાખાતુ અને તેમના પક્ષના નવ સભ્યોને કેબિનેટમાં સ્થાન મળશે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રમાં વધુમાં વધુ 43 પ્રધાનોની નિયુક્તિ થઈ શકે છે. તેમાંથી અડધા કરતાં વધારે પ્રધાનો ભાજપના હશે.