ત્રિપુરાની ચુંટણીમાં અટક વિવાદ વકર્યો…જુઓ
પ્રિયંકા પણ બે અટકનો ઉપયોગ કરે છે:ત્રિપુરાના રાજવીનો ટોણો
રાજવીના બહેન બે અટકનો ઉપયોગ કરી રહ્યા છે.
પૂર્વ ત્રિપુરાની બેઠક ઉપરથી ભાજપ અને તિપરા મોથા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા તિપરા મોથાના સ્થાપક અને રાજવી વંશના સદસ્ય પ્રડ્યોત કિશોર દેવબર્મનના બહેન કીર્તિ દેવી સિંઘની અટકનો વિવાદ વકર્યો છે.તે સંદર્ભે પ્રદયોત કિશોરે એ વિવાદને કમનસીબ ગણાવી કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.
કીર્તિ સિંઘનો ઉછેર શિલોંગમાં થયો હતો.અને તેમના લગ્ન છત્તીસગઢના રાજકોટ શહેરના રાજવી યોગેશ્વર રાજ સિંઘ સાથે થયા છે.કીર્તિ દેવી સિંઘ 2018માં છત્તીસગઢમાં ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે નામાંકન પત્રમાં પોતાનું નામ કીર્તિ દેવી સિંઘ લખ્યું હતું પણ હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ તેમને કીર્તિ દેવી સિંઘ દેવબર્મન તરીકે ઓળખાવે છે.ભાજપ અને કીર્તિ દેવી સિંઘ રાજવી પરિવારોની અટક નો ઉપયોગ કરી મત મેળવવા માંગે છે એવો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે.એ મુદ્દે વિવાદ થયા બાદ પ્રદયોત કિશોરે કહ્યું કે ભારતીય પરંપરામાં પત્ની પોતાના પતિની અટક અપનાવે છે.ઈન્દિરાજી ફિરોઝ ગાંધીને પરણ્યા તે પછી ઇંદિરા ગાંધી બન્યા.સોનિયા ગાંધીનો પણ એ જ કેસ છે.એ જ રીતે પ્રિયંકા ગાંધી વાડ્રા સરનેમ નો પણ ઉપયોગ કરે છે અને તેઓ પ્રિયંકા ગાંધી વાડ્રા તરીકે ઓળખાય છે.
આવા સંજોગોમાં કોંગ્રેસે અટકનો વિવાદ ઉભો કરવાની જરૂર નહોતી તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે ત્રિપુરાના તિપરા મોથા પક્ષ એક સબળ રાજકીય પરિબળ તરીકે ઉભરી આવ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં તેનું ભાજપ સાથે ગઠબંધન છે.પૂર્વ ત્રિપુરાની બેઠક માટે 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે.