SMCએ ત્રણ-ત્રણ વખત દારૂ પકડી પાડતાં સુરેન્દ્રનગર LCB PI સસ્પેન્ડ : રેન્જ IG દ્વારા LCBનું પણ વિસર્જન
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં ટૂંકા ગાળામાં જ ત્રણ-ત્રણ વખત દારૂનો મસમોટો જથ્થો પકડી પાડતાં તેના ઘેરા પ્રત્યાઘાત છેક ગાંધીનગર સુધી પડ્યા હતા. આ પછી રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા LCB પીઆઈને સસ્પેન્ડ કરવા ઉપરાંત ટીમનું વિસર્જન કરી નાખતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ચોટીલા સહિતના સ્થળે એક બાદ એક દરોડા પાડી દારૂ ભરેલા ટ્રક પકડવામાં આવ્યા હતા. ત્રણેય રેડમાં પઝેશન રેડ મતલબ કે હોટલ સહિતની જગ્યાએ ટ્રક પડેલો હોવા છતાં સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) કે જેનું નેટવર્ક અત્યંત મજબૂત હોય છે તેના ધ્યાન ઉપર પણ દારૂનો આટલો મોટો જથ્થો આવ્યો ન્હોતો.
આ પણ વાંચો :રાજકોટમાં વ્યાજખોરોનો આતંક! ન્યુઝ ચેનલનો કર્મચારી વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં એસિડ ગટગટાવ્યું
આ મુદ્દાની ગાંધીનગર સ્તરે ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લેવાયા બાદ LCBની બેદરકારી હોવાનું ધ્યાન પર આવતા જ રેન્જ આઈજી દ્વારા LCB પીઆઈ જે.જે.જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સાથે સાથે LCBની ટીમનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ સુરેન્દ્રનગર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દારૂ અને જુગારના અડ્ડાઓ ઉપર દરોડા પડતા અનેક કર્મીએ સસ્પેન્ડ થવાનો સમય આવ્યો હતો. આ પછી આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમ થયા બાદ કડક અધિકારીની છાપ ધરાવતા પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે નિમણૂક થઈ હતી આમ છતાં LCB જેવી મહત્ત્વની બ્રાન્ચ દ્વારા દારૂની ઘૂસણખોરીની દિશામાં કોઈ જ કડક કાર્યવાહી ન કરવામાં આવતા આખરે રેન્જ આઈજી દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો.
